
ભાવનગર, 05 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી અંગે નાગરિકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ અભિયાનો અંતર્ગત જનજાગૃતિની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2026, સ્વચ્છ ગુજરાત 100 દિવસ, સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી તથા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં કાપડની થેલીઓના વિતરણની કામગીરી કરવામાં આવી હતી.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવા અને તેના સ્થાને કાપડની પુનઃઉપયોગી થેલીઓ અપનાવવા પ્રેરિત કરવાનો છે. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી માટે લોકોની અવરજવર વધતી હોય છે. ત્યારે ખરીદી દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ન થાય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો થાય તે માટે આ પહેલ કરવામાં આવી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકોને કાપડની થેલીઓનું વિતરણ કરી તેનો નિયમિત ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાની આ પહેલથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તેવો આશય છે. સ્વચ્છ અને હરિયાળા ભાવનગરના નિર્માણમાં નાગરિકો પણ સક્રિય સહભાગી બને તે માટે મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA