
રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) : રાજકોટની જાણીતી સોની બજાર વિસ્તારમાં તહેવારોની ભીડભાડ વચ્ચે બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક ગંભીર લૂંટની ઘટના સામે આવી છે, જેમાં માંડવી ચોક પાસે આવેલી દુકાનમાં કામ કરતા રાજસ્થાની યુવકને છરીની અણીએ ધમકી આપી અંદાજે 4 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા છે. આ બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને શહેરની કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
ઘટનાની વિગતો મુજબ, માંડવી ચોક નજીક જુઠા દોષીની શેરીમાં આવેલા બાલાજી તારવાળાની દુકાનમાં મૂળ રાજસ્થાનનો સચિન મુલારામ મીણા (19) મજૂરી કામ કરે છે. તે તેના શેઠ ઉમેદારામ હીરારામ ચૌહાણની સાથે સોનીકામ સંભાળે છે. બનાવના દિવસે શેઠે સોનાના તારની લગડી તૈયાર કરવા માટે કોઠારીયા ચોકી સામે આવેલી દુકાનથી આશરે 33 ગ્રામ ફાઈન સોનું મંગાવ્યું હતું, જેને લાવવા માટે સચિન શેઠનું એક્ટિવા લઈને ગયો હતો.
સોનાના તારની લગડી તૈયાર થઈ ગયા બાદ, રાત્રે આશરે સાડા નવેક વાગ્યે સચિન તે લગડી પેન્ટના ડાબા ખિસ્સામાં મૂકીને આપવા માટે નીકળ્યો હતો. તે દુકાનથી માંડવી ચોક તરફ જવા માટે રવાના થયો ત્યારે રસ્તામાં પચાસ ફૂટ આગળ એક અજાણ્યો શખ્સ તેની એક્ટિવા આગળ આવ્યો હતો અને હિન્દીમાં મુઝે પેરમે ચોટ લગી હે, આગે તક છોડ દે એમ કહીને એક્ટિવા પર પાછળ બેસી ગયો હતો. થોડે આગળ ગયા બાદ તે શખ્સે અચાનક બદઇરાદો પાર પાડવા માટે ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
એક્ટિવા ચલાવતી વખતે તે અજાણ્યા શખ્સે યુવકને ધમકાવતા કહ્યું કે, ચિલ્લાયા તો ચાકુ લગા દુંગા. તેના જમણા હાથમાં રૂમાલમાં કોઈ અણીદાર હથિયાર જેવું રાખીને યુવકની પીઠ પર અણી અડાડી દીધી હતી અને આગળ ગાડી ચલાવવા દબાણ કર્યું હતું. ડરના માર્યા યુવકે આગળ ગાડી ચલાવી હતી. ત્યારબાદ તે શખ્સે માંડવી ચોકના ઢાળીયા આગળ એક્ટિવા ઘુમાવવાનો ઈશારો કર્યો હતો, જેથી યુવકે તે મુજબ ગાડી ત્યાં રોકી હતી.
માંડવી ચોકના ઢાળીયા પાસે એક્ટિવા ઊભી રાખ્યા બાદ તે શખ્સે યુવકના પેન્ટના ડાબા ખિસ્સામાંથી સોનાના તારની લગડી બળજબરીથી કાઢી લીધી હતી. ત્યારબાદ આસોપાલવ જ્વેલર્સની સામે એક્ટિવા ઊભી રખાવીને લૂંટારૂએ જતા જતા ધમકી આપી હતી કે જો એક્ટિવા વાળીને પાછળ ભાગ્યો તો ચાકુ ઘુસાડી દઈશ. આટલું કહીને તે શખ્સ ચાલા તો ચાલાતો ઢાળીયો ઉતરીને નાસી છૂટ્યો હતો.
આ ઘટનાથી ગભરાઈ ગયેલા યુવકે થોડે આગળ જઈને તેના શેઠ ઉમેદારામ ચૌહાણને ફોન કરીને બોલાવી લીધા હતા. શેઠે ઘટનાસ્થળે આવીને અન્ય પરિચિતોને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવક પાસેથી લૂંટાયેલા સોનાના તારની લગડી આશરે 43 ગ્રામ (16 કેરેટ) અને તેની કિંમત આશરે 4 લાખ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એ-ડિવિઝન પોલીસની સાથેસાથે ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમો પણ રાતોરાત તપાસમાં જોડાઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરીયાદીની ઉલટ તપાસ પણ હાથ ધરી છે. હાલ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પોલીસની પકડથી દૂર નથી અને ટૂંક સમયમાં જ મુદ્દામાલ સાથે પકડાઈ જશે તેવી પૂરી શક્યતાઓ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt