જામનગરમાં ફટાકડાના સ્ટોલ્સ પર તંત્રનું સંયુક્ત ચેકિંગ
દિવાળી પર્વને ધ્યાને રાખી પોલીસ, એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા સુરક્ષા નિયમો અને સાધનોની ચકાસણી જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ ફટાકડાના વેચાણ અર્થે મોટી સંખ્યામ
ફટાકડા સ્ટોર્સ ઉપર તંત્રનું ચેકીંગ


- દિવાળી પર્વને ધ્યાને રાખી પોલીસ, એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા સુરક્ષા નિયમો અને સાધનોની ચકાસણી

જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) :

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ ફટાકડાના વેચાણ અર્થે મોટી સંખ્યામાં સ્ટોલ્સ શરૂ થઈ ગયા છે. ફટાકડાના વેચાણ દરમિયાન કોઈ અનિચ્છનીય કે અકસ્માતનો બનાવ ન બને તે હેતુથી જામનગર પોલીસ, મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર વિભાગની ટીમો દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ સ્થળ પર હાજર વેપારીઓને સુરક્ષા સંબંધી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

દિવાળીના પર્વ દરમિયાન બાળકોથી લઈને યુવાનો મોટી સંખ્યામાં ફટાકડાની ખરીદી અને આતશબાજી કરતા હોય છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સંયુક્ત ટીમે શહેરના ગુલાબનગર વિસ્તાર તેમજ વછરાજ ગ્રૂપ દ્વારા ઊભા કરવામાં આવેલા ફટાકડાના સ્ટોલ્સની ખાસ મુલાકાત લીધી હતી. ચેકિંગ દરમિયાન સ્ટોલનું સ્થાન, ફટાકડાનો જથ્થો, વેપારીઓ દ્વારા કરવામાં આવેલી આંતરિક વ્યવસ્થા અને અગ્નિશામક સાધનોની ભૌતિક સ્થિતિની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સ્ટોલ પર આગ જેવી આકસ્મિક દુર્ઘટનાને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષાના સાધનો ઉપલબ્ધ છે કે નહીં અને સલામતીના નિર્ધારિત નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે તમામ બાબતો ચકાસવામાં આવી હતી. તંત્ર દ્વારા વેપારીઓને સ્પષ્ટ જણાવી દેવાયું હતું કે જનસુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું જોખમ કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.

બીજી તરફ, આ સઘન ચેકિંગ બાદ પણ સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે શહેરના મુખ્ય નગર વિસ્તારમાં અનેક સ્થળોએ રોડ પર ખુલ્લેઆમ ફટાકડાના સ્ટોલ્સ ઊભા કરી દેવાયા છે. સુરક્ષાના પૂરતા સાધનો વિના ચાલતા આવા સ્ટોલ્સ સામે પણ તાત્કાલિક અસરથી આકરું ચેકિંગ હાથ ધરવામાં આવે અને નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande