ગિરનાર લીલી પરિક્રમાના રૂટનું સાધુ-સંતો, પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓનું સંયુક્તપણે નિરીક્ષણ
જૂનાગઢ 5 નવેમ્બર (હિ.સ.) : ગરવા ગિરનારની લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશથી કરવામાં આવી રહી છે, ત્યારે આજે જૂનાગઢના સાધુ-સંતો, પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરિક્રમામાં પધારતા ભાવિકો માટે જરૂરી સુવિધાઓ સુનિશ
ગિરનાર લીલી પરિક્રમાના રૂટનું


જૂનાગઢ 5 નવેમ્બર (હિ.સ.) : ગરવા ગિરનારની લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશથી કરવામાં આવી રહી છે, ત્યારે આજે જૂનાગઢના સાધુ-સંતો, પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરિક્રમામાં પધારતા ભાવિકો માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે પરિક્રમાના રૂટનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું.

આ રૂટ નિરીક્ષણમાં ગિરનાર તીર્થક્ષેત્રના ઇન્દ્રભારતી બાપુ, મહેશગીરીબાપુ, મહેન્દ્રાનંદગીરીબાપુ, મહાદેવગીરીબાપુ, કિશનદાસ બાપુ સહિતના સાધુ-સંતો ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, કમિશનર આઈ.આર. વાળા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ સહિતના મહાનુભાવો જોડાયા હતા.

આ નિરીક્ષણ દરમિયાન પરિક્રમામાં પધારતા લાખો ભાવિકો માટે પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, સેવાભાવી સંસ્થાઓ અને અન્નક્ષેત્રો, લાઇટિંગ સહિતની અન્ય જરૂરી સુવિધાઓ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ઓછા વરસાદને કારણે પાણીની ઉપલબ્ધતા જાળવવા બોરવેલ મારફતે પાણીની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સાધુ-સંતો અને પદાધિકારીઓએ રૂટ નિરીક્ષણ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાધુ-સંતોએ ગિરનાર પરિક્રમાના કઠિન માર્ગને ધ્યાનમાં રાખીને અશક્તો, વયોવૃદ્ધો અને બાળકોને શક્ય હોય ત્યાં સુધી પરિક્રમા ટાળવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત, પરિક્રમામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા તેમજ પ્રકૃતિ અને પર્યાવરણના જતનમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ તા.૨૦ નવેમ્બરની મધ્યરાત્રિથી શરૂ થનારી ગિરનાર લીલી પરિક્રમામાં તમામ ભાવિકોને ભાવપૂર્વક આમંત્રિત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદની અછતને કારણે કુદરતી રીતે નદી-નાળાઓમાં પાણી ઉપલબ્ધ નથી. જોકે, વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પીવાના પાણીની જરૂરી સુવિધા મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ રૂટ નિરીક્ષણમાં ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પ્રાંત અધિકારી વૃષાલી કાંબલે સહિત સાધુ-સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande