પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી નવેમ્બર મહિનામાં મેળવો ચણાનું મબલખ ઉત્પાદન
જુનાગઢ, 05 નવેમ્બર (હિ.સ.) : નવેમ્બર મહિનામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા ચણાના પાકનું વાવેતર અને ઉત્પાદન ખેડૂત મિત્રો માટે ફાયદાકારક રહે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના પ્રાકૃતિક રીતે ચણાની ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, પૌ
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી નવેમ્બર મહિનામાં મેળવો ચણાનું મબલખ ઉત્પાદન


જુનાગઢ, 05 નવેમ્બર (હિ.સ.) : નવેમ્બર મહિનામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા ચણાના પાકનું વાવેતર અને ઉત્પાદન ખેડૂત મિત્રો માટે ફાયદાકારક રહે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના પ્રાકૃતિક રીતે ચણાની ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે, પૌષ્ટિક તથા આરોગ્યવર્ધક ઉત્પાદન મળે છે.

ચણા માટે મધ્યમ કાળી જમીન અથવા રેતાળ-ગોરાડુ જમીન વધારે અનુકૂળ છે, જેમાંથી પાણીનો નિકાલ સરખી રીતે થઈ જાય. ઠંડુ અને સૂકું હવામાન ચણાના વિકાસ માટે ઉત્તમ ગણાય છે. નવેમ્બર મહિનાની ગુલાબી ઠંડી ચણાના અંકુરણ (germination) અને વધારા માટે સૌથી યોગ્ય ગણાય છે.

વાવેતર કરતા પહેલા ચણાના બિયારણ પર બીજામૃત (ગાયનું ગૌમૂત્ર, ગોબર, ચૂનો અને પાણીનું મિશ્રણ) નો છંટકાવ કરીને થોડીવાર સૂકવવા દેવા, જેથી બીજજન્ય રોગો સામે રક્ષણ મળે. વાવેતર સમયે જમીનમાં મૂળભૂત પોષણ માટે ઘનજીવામૃતનો ઉપયોગ કરવો.

નવેમ્બર મહિનામાં આગામી તારીખ ૧૫/૧૧/૨૦૨૬ સુધીનો સમયગાળો ચણાની વાવણી માટે સર્વોત્તમ મનાય છે. પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક યુરિયા અથવા ડી.એ.પી. (DAP) ના સ્થાને ડ્રીપ અથવા પાણી સાથે જીવામૃતનું સિંચન કરવાથી જમીનમાં આવશ્યક સૂક્ષ્મ-જીવો (microbes) સક્રિય બને છે, જે ચણાના વિકાસ માટે જરૂરી નાઇટ્રોજન અને બીજું પોષણ પૂરું પાડે છે.

ચણાના પાકને વધારે પાણીની જરૂર પડતી નથી. સામાન્ય રીતે ફૂલ આવવાના સમયે અને દાણા બેસવાના સમયે - આ બે પાણી આપવાથી ચણાનું ઉત્પાદન સારું મળે છે. વધારે પાણી આપવાથી ચણામાં સૂકારો રોગ (wilt) ની સમસ્યા થઈ શકે છે.

પ્રાકૃતિક કૃષિમાં કોઈ પણ ઝેરી જંતુનાશકનો ઉપયોગ થતો નથી. જો ચણા પર ઈયળ (pod borer) અથવા મોલોમશીનો ઉપદ્રવ જણાય તો નીમાસ્ત્ર અથવા બ્રહ્માસ્ત્રનો છંટકાવ કરવો. વધારે ઉપદ્રવ હોય ત્યારે અગ્નાસ્ત્ર પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

ચણા એક લેગ્યુમિનસ (દાળ વર્ગીય) પાક હોવાથી તે જમીનમાં અંદર હવામાંથી નાઇટ્રોજન સ્થિર (nitrogen fixation) કરે છે, જેથી જમીનની ફળદ્રુપતા પોતે સુધરે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન થયેલા ચણા સ્વાદમાં સરસ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ચણાનો પાક સંપૂર્ણ રીતે પાકી ગયા પછી તેને કાપીને થ્રેશિંગ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande