
કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : સગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભસ્થ બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે યોગ્ય પોષણ અને સમયસર આરોગ્ય સંભાળ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ત્યારે ઓછું વજન ધરાવતી સગર્ભા મહિલાઓને પોષણની દૃષ્ટિએ જરૂરી સહાય મળી રહે તેવા આશય સાથે કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે સેવાભાવી પહેલ હાથ ધરવામાં આવી હતી. જેમાં 42 કિલોથી ઓછું વજન ધરાવતી તમામ સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરી તેમના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી અને જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સેવાકીય પ્રવૃત્તિમાં કેરાના દાતા લાલજીભાઈ કરસનભાઈ કેરાઈ દ્વારા પોષણ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમના સહયોગથી જરૂરિયાતમંદ સગર્ભા મહિલાઓ સુધી પોષણ સહાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના શરીરમાં અનેક શારીરિક ફેરફારો થતા હોય છે. આવા સમયે પૂરતો અને સંતુલિત આહાર ન મળે તો માતાની સાથે ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર થવાની શક્યતા રહે છે. ખાસ કરીને ઓછું વજન ધરાવતી મહિલાઓને યોગ્ય પોષણ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે.
પોષણ કીટના વિતરણની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઉપસ્થિત સગર્ભા બહેનોને પૌષ્ટિક અને સંતુલિત આહારનું મહત્ત્વ સમજાવ્યું હતું. ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત આરોગ્ય તપાસ કરાવવી, તબીબો તથા આરોગ્ય કર્મચારીઓની સલાહ મુજબ કાળજી રાખવી અને પોષણયુક્ત ખોરાકને દૈનિક જીવનનો ભાગ બનાવવો જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓને પોતાના સ્વાસ્થ્યની અવગણના ન કરવા અને જરૂરી તપાસ સમયસર કરાવવા પણ સમજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે PHC કેરાના મેડિકલ ઓફિસર ડૉ. ધવલ સર, આયુષ મેડિકલ ઓફિસર ડૉ. યસમિતાબા, FHS કુંજલબેન તેમજ PHC કેરાની તમામ આશા બહેનો ઉપસ્થિત રહી હતી. આરોગ્ય ટીમે સગર્ભા માતાઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
માતા સ્વસ્થ તો બાળક સ્વસ્થના સંદેશને સાર્થક કરતી આ પહેલમાં દાતા લાલજીભાઈ કરસનભાઈ કેરાઈનો સહયોગ મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. PHC કેરા પરિવાર દ્વારા આ સેવાકીય સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજના સહયોગથી આરોગ્યલક્ષી જાગૃતિ અને જરૂરિયાતમંદ પરિવારોને મળતી મદદને વધુ મજબૂતી મળી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar