

એલસીબીની તપાસમાં રહેણાક મકાનમાંથી ગૌવંશના માંસનો જથ્થો મળી આવ્યો; ત્રણ શખ્સો સામે માધાપર પોલીસ મથકે ગુનો નોંધાયો
કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી, કતલ અને માંસના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાં કાર્યવાહી કરીને કથિત ગેરકાયદેસર ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસની તપાસ દરમિયાન રહેણાક મકાનમાંથી અંદાજે 150 કિલોગ્રામ ગૌવંશનું માંસ તેમજ કતલમાં ઉપયોગમાં લેવાતાં સાધનો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અનુસાર જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી, કતલખાનાં અને માંસના વેચાણની પ્રવૃત્તિઓ અટકાવવા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તથા PSI જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે નાના વરનોરા ગામમાં ઇબ્રાહીમ ઈશા અબડાના રહેણાક મકાનમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, પોલીસ પહોંચે તે સમયે ત્યાં કોઈ હાજર મળી આવ્યું નહોતું. મકાનના એક રૂમમાં કંતાન પર કતલ કરેલી હાલતમાં માંસના ટુકડા મળી આવ્યા હતા, જ્યારે મકાનના આંગણામાં પણ ગૌવંશનાં અવશેષો જોવા મળ્યા હતા. ત્યારબાદ પશુચિકિત્સક ડૉ. પલક વૈદ્યને સ્થળ પર બોલાવી તપાસ કરાવતાં મળી આવેલું માંસ ગૌવંશનું હોવાનું પ્રાથમિક રીતે પુષ્ટિ કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી કુલ 150 કિલોગ્રામ માંસ, લાકડાનો ટુકડો, કોયતો, કુહાડી, ત્રણ નાની-મોટી છરી, એક મોબાઇલ ફોન, ચૂંટણી કાર્ડ, મકાનનું ઓળખપત્ર, કાળા રંગનાં ઝબલાંનું પેકેટ તેમજ મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ-16-BB-7933 સહિત કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે ઇબ્રાહીમ ઈશા અબડા, ખાલિદ ઈશા અબડા અને ઓસમાણગની ઉર્ફે કારો ઈસ્માઈલ મમણ (તમામ રહે. નાના વરનોરા) સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 299, 325, 54, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2017ની વિવિધ કલમો તથા પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ સમયે આરોપીઓ સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે તેમની શોધખોળ અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar