કચ્છમાં પશુઓ સાથેના માર્ગ અકસ્માતો રોકવા અનોખી પહેલ! ભુજથી ધોરડો સુધી પશુઓનાં શિંગડાં પર લગાવાશે રેડિયમ પટ્ટી
રાત્રિના અંધકારમાં વાહનચાલકોને દૂરથી જ દેખાશે પશુઓ, પ્રથમ તબક્કામાં 330 ગાય-ભેંસને રિફ્લેક્ટિવ પટ્ટી લગાવાઈ; પ્રવાસન સીઝન દરમિયાન અભિયાન રહેશે સતત ચાલુ કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિઓ વધવાની સાથે માર્ગો પર વાહનોની અવરજવર પણ વ
330 ગાય-ભેંસને રિફ્લેક્ટિવ પટ્ટી લગાવાઈ


રાત્રિના અંધકારમાં વાહનચાલકોને દૂરથી જ દેખાશે પશુઓ, પ્રથમ તબક્કામાં 330 ગાય-ભેંસને રિફ્લેક્ટિવ પટ્ટી લગાવાઈ; પ્રવાસન સીઝન દરમિયાન અભિયાન રહેશે સતત ચાલુ

કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિઓ વધવાની સાથે માર્ગો પર વાહનોની અવરજવર પણ વધી રહી છે. ખાસ કરીને ભુજથી ધોરડો તરફના માર્ગ પર મોટી સંખ્યામાં પશુધન રસ્તાની આસપાસ અને માર્ગો પર જોવા મળતું હોવાથી રાત્રિના સમયે પશુઓ સાથે વાહનોની ટક્કર થવાની સંભાવના રહે છે. આવા અકસ્માતો અટકાવવા અને પશુઓની સાથે વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.

કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ, પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), ભુજ અને પ્રાણી ક્રૂરતા અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA), કચ્છના સંયુક્ત પ્રયાસોથી પશુઓનાં શિંગડાં પર રિફ્લેક્ટિવ લાલ રેડિયમ પટ્ટી લગાવવાનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ અંધારામાં રસ્તા પર કે રસ્તાની નજીક રહેલા પશુઓ વાહનચાલકોને દૂરથી જ દેખાય અને સમયસર વાહન પર નિયંત્રણ મેળવી સંભવિત અકસ્માત ટાળી શકાય તેવો છે.

આ કામગીરીના પ્રથમ તબક્કા અંતર્ગત ભુજથી ધોરડો તરફના વિસ્તારમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાય અને ભેંસ વર્ગનાં અંદાજે 330 પશુઓનાં શિંગડાં પર રિફ્લેક્ટિવ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. આ પટ્ટીઓ વાહનોની લાઇટ પડતાં પ્રકાશ પરાવર્તિત કરશે, જેના કારણે રાત્રિના અંધકારમાં પણ પશુઓની હાજરી વાહનચાલકોના ધ્યાન પર આવી શકશે.

નોંધનીય છે કે નવેમ્બરથી માર્ચ દરમિયાન કચ્છમાં દેશ-વિદેશના પ્રવાસીઓની અવરજવર વધતી હોય છે. ધોરડો સહિતના પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોવાથી આ માર્ગ પર વાહનવ્યવહારનું પ્રમાણ વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલું આ અભિયાન સમગ્ર પ્રવાસન સીઝન દરમિયાન સતત ચાલુ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વધુમાં વધુ પશુઓને સુરક્ષાના આવરણમાં આવરી શકાય.

આ કાર્યક્રમમાં SPCA કચ્છના ઓથોરાઇઝ્ડ પર્સન જયેન્દ્ર ભાટિયા, ભીરંડીયારા પશુ દવાખાનાનાં પશુચિકિત્સા અધિકારી ડૉ. પલકબેન વૈધ, RTO ભુજના હિતેશભાઈ ચૌધરી તથા પશ્ચિમ કચ્છ પોલીસના જિલ્લા ટ્રાફિક PSI આર.વી. જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની માહિતી નાયબ પશુપાલન નિયામક ડૉ. રાજેશ પટેલે આપી હતી.

કચ્છના પ્રવાસન માર્ગો પર માનવજીવન અને અબોલ પશુઓની સુરક્ષા માટે શરૂ કરાયેલું આ અભિયાન માર્ગ અકસ્માતો ઘટાડવાની દિશામાં એક આવકારદાયક પગલું બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande