નર્મદા નહેરના કમાન્ડ વિસ્તારમાં ખેતીને નવી દિશા આપવાનો પ્રયાસ! ભચાઉના 60 ખેડૂતોને રવિ પાકની નિદર્શન કિટનું વિતરણ
જીરું, રાયડો, ઘઉં અને રજકાના બિયારણ સાથે જૈવિક કૃષિ ઇનપુટ્સની સહાય; પ્રાકૃતિક ખેતી, જમીનની ફળદ્રુપતા અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતોને અપાયું માર્ગદર્શન કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : કચ્છના ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તરફ પ્રોત
ખેડૂત કીટ વિતરણ કરવામાં આવી


ખેડૂત કીટ વિતરણ કરવામાં આવી


જીરું, રાયડો, ઘઉં અને રજકાના બિયારણ સાથે જૈવિક કૃષિ ઇનપુટ્સની સહાય; પ્રાકૃતિક ખેતી, જમીનની ફળદ્રુપતા અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતોને અપાયું માર્ગદર્શન

કચ્છ, 05 નવેમ્બર (હિ.સ.) : કચ્છના ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તરફ પ્રોત્સાહિત કરવાની દિશામાં વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની યોજના અંતર્ગત નર્મદા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા વિવિધ ગામોના 60 ખેડૂતોને રવિ પાકના નિદર્શન માટે કૃષિ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય આશય ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને જૈવિક કૃષિ સામગ્રી ઉપલબ્ધ કરાવી ખેતીમાં નવીન પ્રયોગો કરવા પ્રેરિત કરવાનો છે.

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. આર. એસ. ચંડેલ તથા વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉના વડા અને સહ-સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને આપવામાં આવેલી કિટમાં જીરું, રાયડો, રજકો અને ઘઉં સહિતના રવિ પાકોના બિયારણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ ખેતીમાં જૈવિક પદ્ધતિઓને પ્રોત્સાહન મળે તે માટે NPK બેક્ટેરિયા, ટ્રાઇકોડર્મા, બ્યુવેરિયા બેસિયાના, હાઇડ્રોજેલ, જીવામૃત કિટ અને વર્મીકમ્પોસ્ટ જેવી ઉપયોગી સામગ્રી પણ આપવામાં આવી હતી.

ખેતીને માત્ર પાક ઉત્પાદન પૂરતી મર્યાદિત ન રાખી સંકલિત ખેતી તરફ વાળવાના હેતુથી કિચન ગાર્ડનિંગ કિટ, મિનરલ મિક્સ્ચર, ગાજરનું બિયારણ તેમજ દાડમ, સરગવો અને ડ્રેગન ફ્રૂટના રોપાઓનું પણ વિતરણ કરાયું હતું. પાકમાં જીવાત નિયંત્રણ માટે યલો સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ ખેડૂતોને સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. યોગેશ રાઠવા અને સિનિયર રિસર્ચ ફેલો રાજ પરવાડીયાએ ખેડૂતોને વિવિધ કૃષિ સામગ્રીના યોગ્ય ઉપયોગ, પ્રમાણ અને પાક ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને ખેતી ખર્ચ ઘટાડવા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ખેડૂતોને ભચાઉ સંશોધન કેન્દ્રના ફૂડ પ્રોસેસિંગ, બાયોગેસ અને પ્રાકૃતિક ખેતી એકમોની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. અહીં વિવિધ એકમોની કાર્યપદ્ધતિ અને ખેતીમાં તેની ઉપયોગિતા અંગે માહિતી આપવામાં આવી હતી.

યુનિવર્સિટીના સંશોધનને સીધું ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવાના આ પ્રયાસથી કચ્છના ખેડૂતોને રવિ પાકના ઉત્પાદનમાં નવી પદ્ધતિઓ અજમાવવાની તક મળશે. સાથે જ ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા અને ટકાઉ ખેતી તરફ આગળ વધવા માટે આ નિદર્શન કાર્યક્રમ ઉપયોગી બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande