
મહેસાણા, 5 નવેમ્બર (હિ.સ.) : તહેવારોની સાચી ખુશી અન્યના ચહેરા પર સ્મિત લાવવામાં રહેલી છે. આ ભાવનાને સાર્થક કરતાં મહેસાણાના કદમ ફાઉન્ડેશન દ્વારા લીંચ ગામની વરવાજીપૂરા પ્રાથમિક શાળા ખાતે બાળકો માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોને દાબેલીનો નાસ્તો કરાવી ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તહેવારના માહોલમાં બાળકોને ખુશીઓની ભેટ મળતાં તેમના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં કદમ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ પટેલ સહિત ફાઉન્ડેશનની સમગ્ર ટીમે આયોજનથી લઈને કાર્યક્રમના સંચાલન સુધીની જવાબદારી નિભાવી હતી. ટીમના સભ્યોએ બાળકો સાથે સમય વિતાવી તેમને નાસ્તો કરાવ્યો હતો અને ફટાકડાનું વિતરણ કરી તહેવારની ખુશીઓમાં સહભાગી બન્યા હતા.
કદમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ પહેલનો હેતુ બાળકો સાથે તહેવારોની ખુશીઓ વહેંચવાનો અને તેમના જીવનમાં આનંદની ક્ષણો ઉમેરવાનો રહ્યો હતો. ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. બાળકોના ચહેરા પર જોવા મળેલું સ્મિત આ સેવાકીય પ્રવૃત્તિની સાર્થકતા દર્શાવી રહ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR