

મહેસાણા, 05 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામને સોલાર વિલેજ બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકના પ્રયાસોથી પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત ગામનાં પરિવારોનાં ઘરો પર 2.2 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલથી ગ્રામજનોને વીજળીના ખર્ચમાં રાહત મળવાની સાથે સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પણ પ્રોત્સાહન મળશે.
દીપાવલીના પર્વ દરમિયાન શરૂ થયેલી આ કામગીરીનો મુખ્ય હેતુ ગ્રામ્ય પરિવારોને સૌર ઊર્જા સાથે જોડવાનો અને પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડવાનો છે. ખાસ કરીને મજૂરી અને શ્રમ આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોને સોલાર પેનલનો લાભ મળવાથી ઘરેલું વીજળી બિલમાં બચત થઈ શકશે. સાથે જ પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ ગામ આગળ વધી શકશે.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, કાઉન્સિલર ધીરજ કરમચંદાણી, દેવેશ પટેલ, પંકજસિંહ દરબાર સહિત ગામના સરપંચ નીતાબેન ઠાકોર, તલાટી મનીષાબેન ચૌધરી અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી હતી. ચિત્રોડીપુરામાં શરૂ થયેલી આ કામગીરીથી ગામને સોલાર ઊર્જા આધારિત બનાવવાની દિશામાં નવી શરૂઆત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR