
સુરત, 05 નવેમ્બર (હિ.સ.) : નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને વધુ સારી, સુલભ અને ઝડપી તબીબી સેવાઓ મળી રહે તેવા હેતુથી નવી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ કેટલીક તબીબી સુવિધાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.પારુલબેન વડગામાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ આયોજનથી દર્દીઓને એક જ સ્થળે જરૂરી તપાસની સુવિધા ઉપલબ્ધ બનશે અને બિનજરૂરી અવરજવરથી મુક્તિ મળશે.
હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ENT OPDની બાજુમાં ઓડિયોમેટ્રી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે ઓડિયોલોજિસ્ટ ટેકનિશિયનની પણ નિમણૂક કરવામાં આવી છે. આ સુવિધાથી સાંભળવાની ક્ષમતા સંબંધિત વિવિધ પ્રકારની ખામીઓનું નિદાન હોસ્પિટલ ખાતે જ થઈ શકશે. સાથે જ અપંગતા પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી તપાસની સુવિધા પણ ઉપલબ્ધ થતા દર્દીઓને નવી સુવિધા ઉપલબ્ધ થશે.
જૂના ટ્રોમા સેન્ટર (ડેન્ટલ OPD બિલ્ડિંગ) ખાતે OPG (દાંતનો પેનોરેમિક એક્સ-રે) મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં નવા એક્સ-રે મશીનો પણ મૂકવામાં આવ્યા છે. જેના પરિણામે ડેન્ટલ, સર્જરી, પલ્મોનરી OPD સહિત અન્ય વિભાગોના દર્દીઓને એક્સ-રે અને જરૂરી તપાસ માટે અન્ય બિલ્ડિંગમાં જવું નહીં પડે. એક જ સ્થળે તપાસની સુવિધા મળવાથી દર્દીઓનો સમય બચશે અને સારવાર પ્રક્રિયા વધુ સરળ બનશે.
આ તમામ સુવિધાઓના સુચારુ આયોજન અને અમલીકરણમાં RMO ડો. લક્ષ્મણ તાહિલિયાણી, ENT વિભાગનાં વડા ડો. ઉર્વશીબેન પટેલ, રેડિયોલોજી વિભાગના વડા ડો. હેનલભાઈ ભગત, સ્ટેમ સેલ બિલ્ડિંગના નોડલ ઓફિસર ડો. આર.ડી. બર્મન, જૂના ટ્રોમા બિલ્ડિંગના નોડલ ઓફિસર ડો. સુમિત જગાણી ઓડિયોલોજીસ્ટ પ્રતિકભાઈ મિશ્રા તથા નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નિરજાબેન પટેલ દ્વારા સંકલન અને સહયોગ આપવામાં આવ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીલક્ષી અભિગમ સાથે તબીબી સેવાઓને વધુ સુલભ, સુવ્યવસ્થિત અને સુવિધાજનક બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે