



પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરના મુખ્યમાર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને શહેર તથા જિલ્લાના એન્ટ્રી પોઇન્ટ પર વાહન ચેકિંગની કામગીરી હાથધરવામાં આવી રહી છે. પોરબંદર શહેરમાં ઉદ્યોગનગર પોલીસ, કમલાબાગ પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહિતની અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા પોતાના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સઘન વાહનચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન વાહનચાલકોને રોકી વાહનોની તપાસ કરવામાં આવી હતી તેમજ શંકાસ્પદ હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર દરમિયાન નશીલા પદાર્થો સહિતની પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી ન થાય, અસામાજિક તત્ત્વો કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ ન આપે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા આ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ
સ્ટેશનની ટીમો દ્વારા પોતાના
વિસ્તારમાં વાહન ચેકિંગ અને
પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તહેવારો દરમિયાન લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા પોરબંદર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya