
રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં નવનિયુક્ત ડિરેક્ટર ધનંજયકુમાર સિંહની અચાનક મૂળ જગ્યા પર બદલી થતાં વહીવટી ફેરફાર કરાયો છે. ડિરેક્ટરનો ખાલી પડેલો ચાર્જ નીચલા ક્રમના અધિકારીને સોંપવામાં આવ્યો છે. સંજય અગ્રવાલ રજા પર હોવાથી હાલ એટીએસ વિભાગના અધિકારી ભાસ્કર સૌદાબર કાર્યકારી ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે.
રાજકોટ એરપોર્ટ પર વહીવટી સ્તરે ટૂંકા ગાળામાં બીજો મોટો ફેરફાર સામે આવ્યો છે. અગાઉ 22 સપ્ટેમ્બર 2026ના રોજ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહની બઢતી થઈ હતી. તેમની દિલ્હી, ભુવનેશ્વર અને ત્યારબાદ ગોવા ખાતે બદલી કરવામાં આવી હતી. આ ખાલી પડેલી જગ્યા પર જામનગર એરપોર્ટના ડીજીએમ (કોમર્શિયલ) ધનંજયકુમાર સિંહને પ્રમોશન સાથે રાજકોટના ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા હતા. સિંહે 12 ઓક્ટોબર 2026ના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો. ત્યારબાદ અચાનક જ ધનંજયકુમાર સિંહની મૂળ જગ્યા પર પાછી બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ નિર્ણય બાદ રાજકોટ એરપોર્ટના સંચાલન માટે સીએનએસ વિભાગના સંજય અગ્રવાલને ચાર્જ સોંપવાનું નક્કી કરાયું છે. જોકે, સંજય અગ્રવાલ આગામી 12મી તારીખ સુધી રજા પર હોવાથી વહીવટ અટકે નહીં તે માટે એટીએસ વિભાગના અધિકારી ભાસ્કર સૌદાબરને હંગામી ધોરણે એરપોર્ટના કાર્યકારી ડિરેક્ટર તરીકે ચાર્જ સોંપાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt