રાજકોટ મનપા: 846 કરોડના સ્થગિત વિકાસ કાર્યો અંગે શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાશે આખરી ફેંસલો
રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના નવા શાસકો દ્વારા કરકસરના ભાગરૂપે ૨૦ ટકાથી ઓછી કામગીરી ધરાવતા ૮૪૬ કરોડના ૯૮ વિકાસ કાર્યો પાંચ મહિના અગાઉ સમીક્ષા અર્થે અટકાવવામાં આવ્યા હતા. આ તમામ સ્થગિત કામો અંગે યોગ્ય નિર્ણયો લેવા માટે મ
ભાજપ કોંગ્રેસ રાજકોટ કોર્પોરેશન


રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના નવા શાસકો દ્વારા કરકસરના ભાગરૂપે ૨૦ ટકાથી ઓછી કામગીરી ધરાવતા ૮૪૬ કરોડના ૯૮ વિકાસ કાર્યો પાંચ મહિના અગાઉ સમીક્ષા અર્થે અટકાવવામાં આવ્યા હતા. આ તમામ સ્થગિત કામો અંગે યોગ્ય નિર્ણયો લેવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વિશેષ દરખાસ્ત મોકલવામાં આવી છે, જેના પર આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સત્તાવાર ફેંસલો થશે.

નવી શાસક પક્ષની બોડીએ ચાર્જ સંભાળ્યા બાદ બજેટમાં નાણાકીય અનુશાસન જાળવવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે આ મોટા પ્રોજેક્ટ્સને હોલ્ડ પર રાખ્યા હતા. આ સ્થગિત કામોમાં જ્યુબિલી શાકમાર્કેટ, કનકનગર શાકમાર્કેટ, લક્ષ્મીનગર શાકમાર્કેટ, વર્કિંગ વુમન હોસ્ટેલ, આત્મીય યુનિવર્સિટી પાસેનો સ્કાયવોક, વિવિધ વિસ્તારોમાં સ્પોર્ટ્સ સંકુલ, ફાયર સ્ટેશન, બ્રિજ, અને પાણી વિતરણ માટેની ડીઆઈ પાઇપલાઇન જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. લાંબા સમયથી નવા ટેન્ડરો બહાર ન પડવાના કારણે શહેરમાં મોટા પ્રોજેક્ટ્સનું કામ ઠપ થઈ ગયું હોવાની છાપ ઊભી થઈ હતી.

આ સ્થગિત કામોના કારણે સરકારી ગ્રાન્ટ સમયમર્યાદામાં વપરાયા વગર લેપ્સ થવાની સંભાવના અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. બીજી બાજુ, કામો બંધ રહેવાના કારણે કોન્ટ્રાક્ટરોને આ સમયગાળાનું વળતર કે મુદત વધારો કેવી રીતે મળશે તે અંગે મનપાના ઇજનેર વિભાગ સમક્ષ અવારનવાર પ્રશ્નો રજૂ કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાસકો દ્વારા જરૂરી અને અતિ આવશ્યક કામોને પ્રથમ પ્રાથમિકતા આપીને તબક્કાવાર મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

શુક્રવારની બેઠકમાં કયા કાર્યોને લીલી ઝંડી મળે છે અને કયા પ્રોજેક્ટ્સને આગામી નાણાકીય વર્ષ સુધી પડતા મૂકવામાં આવે છે તે સ્પષ્ટ થશે. આ નિર્ણયથી રાજકોટના શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડતા પ્રોજેક્ટ્સની ગતિ નક્કી થશે. જો શાસકો દ્વારા વ્યાપક સમીક્ષા બાદ હકારાત્મક નિર્ણય લેવામાં આવશે, તો દિવાળીના તહેવારો બાદ શહેરમાં અટકેલા વિકાસ કાર્યોની નવી ઇનિંગનો આરંભ થવાની પૂરેપૂરી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande