જામનગરના પિતા-પુત્રને હાઇકોર્ટની રાહત: રૂ.128 કરોડના બોગસ બિલ કેસમાં જામીન મંજૂર કરાયા
જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) : જામનગરના બ્રાસ અને મેટલ સ્ક્રેપના વેપારી પિતા સુરેશ શાહ તથા પુત્ર આયુષ શાહની રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રૂ. ૧૨૮.૨૪ કરોડના બોગસ બિલો થકી રૂ. ૨૩.૦૮ કરોડની ખોટી વેરાશાખ મેળવવાના આરોપસર જી.એસ.ટી. કાયદાની કલમ ૧૩૨(૧)(બ
ચુકાદો


જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) : જામનગરના બ્રાસ અને મેટલ સ્ક્રેપના વેપારી પિતા સુરેશ શાહ તથા પુત્ર આયુષ શાહની રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રૂ. ૧૨૮.૨૪ કરોડના બોગસ બિલો થકી રૂ. ૨૩.૦૮ કરોડની ખોટી વેરાશાખ મેળવવાના આરોપસર જી.એસ.ટી. કાયદાની કલમ ૧૩૨(૧)(બી) અને ૧૩૨(૧)(સી) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જેલવાસ ભોગવી રહેલા બંને વેપારીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણીના અંતે હાઇકોર્ટે તેઓને કડક શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે.

આ પ્રકરણની વિગતો અનુસાર, રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગે બાતમીના આધારે જામનગરમાં આવેલા ઉપરોક્ત વેપારીઓના ધંધા અને નિવાસસ્થાન પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિભાગની તપાસમાં એવું તારણ બહાર આવ્યું હતું કે પિતા સુરેશ શાહની માલિકીની પેઢી મે. મંડોવરા ટ્રેડિંગ કંપનીમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના વેપારીઓ પાસેથી ખરીદી દર્શાવી રૂ. ૨૩.૦૮ કરોડની વેરાશાખ ભોગવવામાં આવી છે, અને આ વ્યવહારોનું સંચાલન પુત્ર આયુષ શાહ કરતા હતા. જે વેચનાર વેપારીઓ દ્વારા માલનું વેચાણ કર્યા વગર માત્ર બોગસ બિલો ઇશ્યુ કરી ખોટી વેરાશાખ તબદીલ કરવામાં આવી હોવાનું જણાતા વિભાગ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

હાઇકોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન અરજદારોના વકીલોએ દલીલ કરી હતી કે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કલમ ૧૩૨(૧)(સી) નું મનસ્વી અર્થઘટન કરવામાં આવ્યું છે. કાયદા મુજબ જો ભૌતિક ડિલિવરી વગર માત્ર બિલો મેળવી વેરાશાખ લીધી હોય તો જ ગુનો બને છે, પરંતુ આ કેસમાં વેપારીઓએ માલની ભૌતિક ડિલિવરી મેળવી છે અને નાણાકીય ચૂકવણી બેંકિંગ ચેનલ દ્વારા કરી છે. વળી, વેચનાર વેપારી દ્વારા વેરો ન ભરવાના કિસ્સામાં માત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર થઈ શકે પરંતુ તે કલમ ૧૩૨(૧)(સી) હેઠળનો ગુનો નથી બનતો. વધુમાં, સ્થળ પરથી મોટો માલ-સ્ટોક મળી આવ્યો હોવાથી તેઓ જેન્યુઇન વેપારી હોવાનું સ્પષ્ટ થાય છે અને સુપ્રીમ કોર્ટના ત્રિપલ ટેસ્ટના સિદ્ધાંતો પણ લાગુ પડે છે.

સામેપક્ષે સ્ટેટ જીએસટી વિભાગે લંબાણપૂર્વકનું સોગંદનામું રજૂ કરી આરોપીઓ ગંભીર આર્થિક ગુનામાં સંડોવાયેલા હોવાની રજૂઆત કરી જામીન અરજી નામંજૂર કરવા ભારપૂર્વક અપીલ કરી હતી. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે બચાવપક્ષની તર્કસંગત દલીલોને માન્ય રાખી હતી અને આ કેસમાં આરોપી પિતા-પુત્રને રાહત આપતા જામીન પર મુક્ત કરવાનો મહત્વનો આદેશ આપ્યો છે. આ કેસમાં આરોપી વેપારીઓ તરફથી હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રીઓ અપૂર્વ એન. મહેતા અને જયદીપ એમ. કુકડીયાએ કેસ લડ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande