

ગાંધીનગર, 05 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા ખાતે મૂળામ્નાય સર્વજ્ઞ શ્રી કાંચી કામાકોટિ પીઠમના 70 મા પીઠાધિપતિ જગદ્ગુરુ શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
શંકરાચાર્યના સાનિધ્યમાં અમદાવાદના ગોતા ખાતે આયોજિત પૂર્ણાહુતિ હવનમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા તેમણે યજ્ઞશાળા મંડપમ ખાતે શંકરાચાર્ય સાથે સંવાદ સાધીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જગદ્ગુરુ શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી મહાસ્વામીએ 28 ફેબ્રુઆરી, 2018ના રોજ પીઠાધિપતિ જયેન્દ્ર સરસ્વતીજીના વિદેહમુક્તિ બાદ 70મા પીઠાધિપતિ તરીકેની જવાબદારી સંભાળી છે કાંચીપુરમ સ્થિત કાંચી કામાકોટિ પીઠમ ભારતીય સનાતન પરંપરા અને વૈદિક સંસ્કૃતિના સંવર્ધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે પૂર્વ શિક્ષણ મંત્રી અને વરિષ્ઠ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને માયાબેન કોડનાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ