રાજકોટ રેલવે સ્ટેશનેથી રૂ.14.53 લાખનો બિલ વગરનો શંકાસ્પદ કોપરનો જથ્થો ઝડપાયો
જીએસટી ચોરી કરવા વારાણસીથી પાર્સલમાં મંગાવેલ કિંમતી ધાતુનો જથ્થો રેલવે પોલીસે ઝડપી પાડ્યો, ઉદય કાર્ગોના સંચાલકની સંડોવણી ખૂલી રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા ગઈકાલે હાથ કરાયેલી સઘન તપાસ દરમિયાન વારાણસીથી ટ્
રેલવે સ્ટેશન રાજકોટ


- જીએસટી ચોરી કરવા વારાણસીથી પાર્સલમાં મંગાવેલ કિંમતી ધાતુનો જથ્થો રેલવે પોલીસે ઝડપી પાડ્યો, ઉદય કાર્ગોના સંચાલકની સંડોવણી ખૂલી

રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા ગઈકાલે હાથ કરાયેલી સઘન તપાસ દરમિયાન વારાણસીથી ટ્રેન મારફત પાર્સલમાં મોકલવામાં આવેલો રૂ.14,53,100 ની કિંમતનો 1321 કિલોગ્રામ શંકાસ્પદ કોપરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર વસ્તુઓ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં આ કોપરનો જથ્થો રાજકોટના સંત કબીર રોડ પર આવેલી ઉદય કાર્ગોના સંચાલક પ્રકાશભાઈ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ જીએસટીની રકમની ભરપાઈ ન કરવી પડે અને સરકારી વેરામાંથી બચી શકાય તે હેતુથી આ માલ કોઈપણ પ્રકારના વેરા બિલ વગર ગેરકાયદેસર રીતે વારાણસીથી મંગાવવામાં આવ્યો હોવાનું ફલિત થયું છે, જેથી પોલીસે આ માલને શંકાસ્પદ મિલકત તરીકે જપ્ત કર્યો છે.

આ પ્રકરણમાં રેલવે પોલીસ દ્વારા હવે સ્ટેટ જીએસટી વિભાગ સાથે સંકલન સાધીને કાયદેસરની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉદય કાર્ગોની રેલવે પાર્સલ વિભાગમાં લીઝ ચાલી રહી છે, પરંતુ અગાઉ પણ બે મહિના પૂર્વે આ જ કાર્ગો સર્વિસ દ્વારા આવી જ રીતે શંકાસ્પદ ધાતુની હેરાફેરી કરવાના કિસ્સાઓ સામે આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી સામે આવતા હવે આ કાર્ગો સર્વિસની રેલવે લીઝ રદ કરવા સુધીના કડક પગલાં લેવાની તલવાર લટકી રહી છે. પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.જે. જાડેજા અને તેમની ટીમે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી આગળની વધુ તપાસ ચાલુ રાખી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande