
પોરબંદર, 05 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના સુપ્રસિદ્ધ 195 વર્ષ જૂના શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસ અને દિવાળીના પર્વે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટવાના છે. દિવાળીના દિવસે માતાજીને અંદાજે રૂ. 75 લાખની ભારતીય ચલણી નોટો અને સિક્કાઓથી વિશેષ શણગાર કરવામાં આવશે. ભાવિકોને સુચારુ દર્શનનો લાભ મળી રહે તે માટે શ્રી મહાલક્ષ્મી મંદિર
ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા અંગે અપીલ કરવામાં આવી છે.ધનતેરસ અને દિવાળીના દિવસોમાં મંદિર સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. દર્શનમાટે કોઈ VIP કે વિશેષ વ્યક્તિગત વ્યવસ્થા રાખવામાં આવી નથી. સૌભાવિકોને વહેલા તે પહેલાના ધોરણે સમાન રીતે દર્શનનો લાભ મળશે. જોકે ગર્ભવતી મહિલાઓ, ધાત્રીમાતાઓ અને શારીરિક અશક્તિ ધરાવતા ભાવિકો માટે અલગ પ્રાથમિકતા વ્યવસ્થા રાખવામાં આવશે.ટ્રસ્ટના જણાવ્યા મુજબ સામાન્ય રીતે બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન દર્શનાર્થીઓની સંખ્યા ઓછી રહેતી હોવાથી આ સમયગાળામાં દર્શન કરવા આવતા ભાવિકોને ભીડનો સામનો ઓછો કરવો પડશે.દિવાળીના દિવસે તાજાં સુગંધિત ફૂલો, હાર, ચલણી નોટો અને સિક્કાઓથી માતાજીનો આકર્ષક શણગાર કરવામાં આવશે. અનુભવી સ્વયંસેવકો દ્વારા તૈયાર થનારો આ વિશેષ શણગાર ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.ટ્રસ્ટ દ્વારા ભાવિકોને લાઇનમાં રહી દર્શન કરવા, ધક્કામુક્કી ટાળવા અને સ્વયંસેવકોની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.વડીલો, મહિલાઓ અને બાળકોની સુવિધાનું ધ્યાન રાખવા પણ અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya