
ભાવનગર, 05 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર એલ.સી.બી. પોલીસે મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવાની કામગીરી દરમિયાન તાંબાના વાયરની ચોરીના ગુનામાં છ આરોપીઓને ૨૧.૩૬ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તળાજા હાઇવે પર કોબડી ટોલનાકા નજીક આવેલી ખુશ્બુ મેટલ નામની ફેક્ટરીમાંથી આશરે ૨૦ દિવસ પહેલાં તાંબાના વાયરની ચોરી કરવામાં આવી હતી.
એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે હિલપાર્ક ચોકડીથી સીદસર-બુધેલ રોડ પર નવા યુનિવર્સિટી કેમ્પસ નજીક મોબાઇલ ટાવર પાસે એક ક્રેટા કારમાં છ શખ્સો તાંબાના વાયરના કોથળા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા છે. પોલીસે સ્થળ પર તપાસ કરતાં છ શખ્સો મળી આવ્યા હતા. તેમની પાસે તાંબાના વાયરના કોઈ બિલ કે માલિકી અંગેના આધાર ન હોવાથી પોલીસે મુદ્દામાલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી.
વધુ પૂછપરછ દરમિયાન આરોપીઓએ આશરે ૨૦ દિવસ પહેલાં ખુશ્બુ મેટલ ફેક્ટરીમાંથી તાંબાના વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ ૭૩૩ કિલોગ્રામ તાંબાના વાયર, કિંમત ૧૦.૨૬ લાખ રૂપિયા, ક્રેટા કાર કિંમત ૧૦ લાખ રૂપિયા અને છ મોબાઇલ ફોન કિંમત ૧.૧૦ લાખ રૂપિયા મળી કુલ ૨૧.૩૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં ભાવનગરના વિશાલ ઉર્ફે કમો, રઘુ આલગોતર, કિશન મેવાડા, રોહિત બાબરિયા, વિવેક આલગોતર અને દર્શિત મેરનો સમાવેશ થાય છે. જ્યારે કરણ ધતુરાતર, સંજય મેર સહિત પાંચ આરોપીઓ હજુ ફરાર છે.
આરોપીઓ મોડી રાત્રે ફેક્ટરીની રેકી કરી માલની માહિતી મેળવ્યા બાદ ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA