
સુરત, 05 નવેમ્બર (હિ.સ.) : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ચારધામ યાત્રાએ ગયેલા સુરતના પટેલ પરિવારની ઈનોવા કાર ઊંડી ખીણમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સુરતના વકીલ અશોકભાઈ પટેલ, તેમનાં પત્ની સુધાબેન અને પુત્રી રૂતિકાનું મોત થયું છે, જ્યારે પુત્ર વેદાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત કુલ ચાર લોકોનાં મોત થયાં છે, બે લોકો લાપતા છે અને એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અશોકભાઈ પટેલ પરિવારજનો અને સંબંધીઓ સાથે 31 ઓક્ટોબરે સુરતથી ચારધામ યાત્રા માટે નીકળ્યા હતા. ગંગોત્રીનાં દર્શન કર્યા બાદ તેઓ કેદારનાથ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન ગંગોત્રી નેશનલ હાઈવે પર તેમની કાર કાબૂ ગુમાવી ઊંડી ખીણમાં પડ્યા બાદ નદીમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અશોકભાઈ વકીલાત કરતા હતા, જ્યારે તેમની પુત્રી રૂતિકાએ BCA સુધીનો અભ્યાસ કર્યો હતો અને સરકારી નોકરીની તૈયારી કરી રહી હતી. પુત્ર વેદાંત ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે.
આ દુર્ઘટનાના સમાચાર મળતાં સુરતના શિવાલિક રેસિડેન્સી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પાડોશીઓના જણાવ્યા અનુસાર, પટેલ પરિવાર ધાર્મિક અને મિલનસાર સ્વભાવ ધરાવતો હતો. પરિવારના સભ્યો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં પોલીસ દ્વારા અકસ્માતની દુઃખદ જાણ કરવામાં આવી હતી. બીજી તરફ, અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતાં કિરણબેન પટેલ પણ આ યાત્રામાં જોડાયાં હતાં અને અકસ્માત બાદ તેઓ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. તેમના પરિવારજનો હાલ તેમની અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે