
જૂનાગઢ 5 નવેમ્બર (હિ.સ.) : વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવી ત્રણ યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જેમાં બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ તમામ જાતિના ખેડુતો માટે, રાઈઝોમેટીક આદુ, હળદર પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ ફક્ત અનુસુચિત જાતિના ખેડુતો માટે તથા ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉપ્તાદન મેળવવાનો કાર્યક્રમ તમામ જાતિના ખેડુતો માટે આ ત્રણ યોજનાઓનો લાભ મેળવવા માટે જૂનાગઢ જિલ્લાના ખેડુતો માટે આગામી તા.૧૫/૧૧/૨૦૨૬ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
https://ikhedut.gujarat.gov.in/site/ આ વેબસાઇટ ઉપર જઈને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલા તેમજ નવા નોંધણી કરાવનારા તમામ ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ ઓથેન્ટિકેશન ફરજીયાતપણે કરાવવાનું રહેશે. ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો વ્યવસ્થિત રીતે સ્કેન કરીને અપલોડ કર્યા બાદ અરજી કન્ફર્મ કરીને આ અરજીની પ્રીન્ટ આઉટ લઇને ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.
જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે પોતાની સહી કરીને તેની સાથે જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લા બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે. તેમજ આ અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર બાગ પાસે, નીલમ બાગ, લઘુ કૃષિ ભવન, જૂનાગઢના ફોન નંબર ૦૨૮૫- ૨૬૩૫૦૧૯ ખાતે રૂબરૂ અથવા ટેલિફોનીક સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. તેમ નાયબ બાગાયત નિયામક જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ