
રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) : ઉપલેટાના ઢાંકની ગારી વૃંદાવન સોસાયટીમાં રહેતા 71 વર્ષીય ખેડૂત રસિકભાઈ ભોવાનભાઈ ભલાણી સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તેમના મોબાઈલમાં અજાણતા બે એપીકે ફાઈલ ઇન્સ્ટોલ થઈ જતાં તેમના બેંક ખાતામાંથી રૂ. 4,78,716 ઉપડી ગયા હતા. બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવતાં આ બનાવની જાણ થઈ હતી, જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગઈકાલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
રસિકભાઈ ભલાણી ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ આવકવેરા રિટર્ન ભરાવવા માટે વકીલ પાસે ગયા ત્યારે વકીલે બેંક પાસબુક અને સ્ટેટમેન્ટ લાવવા જણાવ્યું હતું. જેથી તેઓ બેંક ઓફ બરોડાની ચીખલીયા શાખામાં સ્ટેટમેન્ટ કઢાવવા ગયા હતા. સ્ટેટમેન્ટ તપાસતાં માલૂમ પડ્યું હતું કે ગત 29 અને 30 મેના રોજ તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 4.78 લાખ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
ખાતામાંથી મોટી રકમ ઉપડી ગયાનું ધ્યાન પર આવતાં બેંક મેનેજરે સાયબર ફ્રોડ થયો હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ ખેડૂતે તેમના પુત્ર રવિને જાણ કરી હતી. પુત્રએ તુરંત સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને ઓનલાઈન અરજી કરી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ગત 28 મેના રોજ તેમના મોબાઈલમાં જાણ બહાર 'બોમ્બીટપ રિલીઝ' અને અન્ય એક એપીકે એપ ઇન્સ્ટોલ થઈ ગઈ હતી.
આ એપીકે ફાઈલોના માધ્યમથી સાયબર માફિયાઓએ મોબાઈલનો એક્સેસ મેળવીને બેંકમાંથી નાણાં સરી લીધા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પાંચ મહિના જૂના આ બનાવ અંગે ખેડૂતની ફરિયાદના આધારે ઉપલેટા પોલીસે અજાણ્યા સાયબર ક્રિમિનલ સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt