દિવાળી પહેલા અદાણી સીએનજીના ભાવમાં બીજીવાર વધારો 2.30 નો વધારો કર્યો, નવો ભાવ 100ને પાર
અમદાવાદ, 06 નવેમ્બર (હિ.સ.) : તહેવારોના ટાણે જ દિવાળી પહેલા અદાણી સીએનજીના ભાવમાં બીજીવાર વધારો 2.30 નો વધારો કર્યો, નવો ભાવ 100ને પાર થઈ ગયો. અદાણી કંપનીએ 13 દિવસમાં ફરી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.30નો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે નવો ભાવ
Adani CNG price hiked by Rs 4.45 before Diwali


અમદાવાદ, 06 નવેમ્બર (હિ.સ.) : તહેવારોના ટાણે જ દિવાળી પહેલા અદાણી સીએનજીના ભાવમાં બીજીવાર વધારો 2.30 નો વધારો કર્યો, નવો ભાવ 100ને પાર થઈ ગયો.

અદાણી કંપનીએ 13 દિવસમાં ફરી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.30નો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે નવો ભાવ 98.47થી વધીને 100.77 પહોંચી ગયો છે.

આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ સીએનજીના ભાવમાં 4.45નો મોટો વધારો કરાયો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં સીએનજીનો ભાવ 100ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે.

તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી રિક્ષાચાલકો સીએનજીના ભાવ વધતા સબસિડી આપવાની સરકાર પાસે માગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

સીએનજીના સતત ભાવવધારાને લઈને રિક્ષાચાલકોમાં પણ લાંબા સમયથી ભારે નારાજગી જોવા મળી રહી છે.અમદાવાદના રિક્ષાચાલકોએ કહ્યું કંપનીએ પહેલાં દિવાળી બોનસ આપ્યું હવે ગિફ્ટ આપી. બે આંકડામાં ગેસ મળતો હવે ત્રણમાં મળશે. રિક્ષાચાલકોએ અગાઉ વાહન-વ્યવહાર કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, સીએનજીમાં સબસિડી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો દિવાળી પહેલા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે, તે વચ્ચે ફરી ભાવ વધતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સીએનજીના ભાવમાં વધારો થતો હોવાથી સરકાર દ્વારા ભાડામાં પણ વધારો કરાયો હતો, પરંતુ સરકાર દ્વારા જે ભાડામાં વધારો કરાયો તે ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબર અને રેપીડોમાં ન આપ્યું હોવાથી રિક્ષાચાલકો અત્યારે તેનો બહિષ્કાર કરી રહ્યા છે. ઓનલાઇન એપ્લિકેશનમાં રિક્ષાચાલકોને પ્રતિ કિલોમીટર 20ની જગ્યાએ 10થી 12 રૂપિયા જ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande