
- કન્ટેનર હેન્ડલિંગ, સિંગલ કન્ટેનર ટર્મિનલ, રેલ ઓપરેશન્સ અને ડબલ-સ્ટેક રેક્સમાં પણ નવા રેકોર્ડ.
મુન્દ્રા/અમદાવાદ, 06 નવેમ્બર (હિ.સ.) : અદાણી પોર્ટ્સના મુન્દ્રા પોર્ટે ઓક્ટોબર 2026માં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ સાથે ભારતીય પોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવો માપદંડ સ્થાપિત કર્યો છે. મુન્દ્રા પોર્ટે એક જ મહિનામાં અત્યાર સુધીનું સર્વોચ્ચ 20.27 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો હેન્ડલ કરીને આટલી મોટી માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલ કરનાર ભારતનું પ્રથમ પોર્ટ બન્યું
છે.
આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર કુલ કાર્ગો વોલ્યુમ પૂરતી સીમિત નથી. પોર્ટના કન્ટેનર બિઝનેસે પણ ઓક્ટોબર દરમિયાન અત્યાર સુધીનું સર્વોચ્ચ 8.59 લાખ TEUsનું માસિક થ્રૂપુટ નોંધાવ્યું છે.
આ પ્રદર્શન મુન્દ્રા પોર્ટની સતત વધતી કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય વેપારને અસરકારક રીતે સપોર્ટ કરતી તેની મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાને દર્શાવે છે.
મુન્દ્રા સ્થિત CT3એ પણ એક જ મહિનામાં 3.18 લાખ TEUsનું વિક્રમી હેન્ડલિંગ કરીને સપ્ટેમ્બર 2026ના 3.10 લાખ TEUsના અગાઉના રેકોર્ડને પાર કર્યો છે, જે ભારતમાં કોઈ એક સિંગલ કન્ટેનર ટર્મિનલ દ્વારા એક મહિનામાં હેન્ડલ કરાયેલ સર્વોચ્ચ વોલ્યુમ છે. આ ઉપરાંત T2 ટર્મિનલે પણ 1.55 લાખ TEUsનું સર્વોચ્ચ માસિક થ્રૂપુટ નોંધાવ્યું છે. ડ્રાય કાર્ગો ક્ષેત્રે પણ મુન્દ્રાએ નવી ઊંચાઈ સર કરી છે. ડ્રાય કાર્ગો ટર્મિનલે ઓક્ટોબર 2026માં 0.79 MMT ખાતરનું હેન્ડલિંગ કર્યું, જે
અત્યાર સુધીનું સર્વોચ્ચ માસિક ફર્ટિલાઇઝર વોલ્યુમ છે.
મુન્દ્રા પોર્ટના વ્યાપક અને કાર્યક્ષમ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ નેટવર્કમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા SPRHએ પણ વિક્રમી કામગીરી નોંધાવી છે. SPRHએ એક મહિનામાં અત્યાર સુધીના સર્વોચ્ચ 1.57 લાખ TEUs હેન્ડલ કરીને ડિસેમ્બર 2025માં નોંધાયેલા 1.54 લાખ TEUsના અગાઉના રેકોર્ડને પાછળ છોડ્યો છે. સાથે જ ટીમે પ્રતિ રેક 246 TEUsનું અત્યાર સુધીનું સર્વોચ્ચ એક્સચેન્જ નોંધાવ્યું છે.
મુન્દ્રા પોર્ટના રેલવે ઓપરેશન્સે પણ ઓક્ટોબર 2026 દરમિયાન અનેક નવા રેકોર્ડ સ્થાપ્યા છે. મહિના દરમિયાન કુલ 1,870 ટ્રેનો હેન્ડલ કરવામાં આવી, જેમાં 282 ગુડ્સ ટ્રેનો અને 1,588 કન્ટેનર ટ્રેનોનો સમાવેશ થાય છે. કન્ટેનર ટ્રેનોમાં 793 એક્સપોર્ટ અને 795 ઇમ્પોર્ટ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન રેલવે મારફતે કુલ 3.87 MMT કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું.
વિશેષરૂપે, મુન્દ્રા પોર્ટ રેલવે ટીમે ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેન ઓપરેશન્સમાં પણ નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ઓક્ટોબર 2026 દરમિયાન કુલ 1,038 ડબલ-સ્ટેક રેક્સ હેન્ડલ કરવામાં આવ્યા. આ સાથે રેલ ઓપરેશન્સ દ્વારા 1.99 લાખ TEUsનું વિક્રમી હેન્ડલિંગ કરવામાં આવ્યું.
મુન્દ્રા પોર્ટની આ સિદ્ધિઓ પોર્ટના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મજબૂત રેલ કનેક્ટિવિટી, કાર્યક્ષમ ટર્મિનલ ઓપરેશન્સ અને વિવિધ પ્રકારના કાર્ગોને મોટા પાયે હેન્ડલ કરવાની ક્ષમતાનું પ્રતિબિંબ છે.
એક જ મહિનામાં કાર્ગો, કન્ટેનર, ટર્મિનલ અને રેલ ઓપરેશન્સના વિવિધ ક્ષેત્રોમાં સર્જાયેલા આ નવા રેકોર્ડ મુન્દ્રાની ભારતના અગ્રણી પોર્ટ અને ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ ગેટવે તરીકેની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ