

ગાંધીનગર, 06 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા અને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવાના હેતુથી ધનતેરસના પવિત્ર દિવસે રાજ્ય સરકારના સચિવાલય પરિવારમાં સીધી ભરતીથી નિમણૂક પામેલા 113 નાયબ સેક્શન અધિકારીને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. આ સાથે 64 સેક્શન અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી છે.
આ વિશેષ કાર્યક્રમમાં નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 ના 87 ઉમેદવારોની સાથે-સાથે, દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ દ્વારા પસંદગી પામેલા 26 દિવ્યાંગ ઉમેદવારોને પણ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નવી સેવામાં જોડાયેલા યુવાનોને પ્રેરણા આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારી નોકરીમાં પસંદગીનો આધાર માત્ર પ્રતિભા, યોગ્યતા અને મહેનત છે. કોઈપણ ભલામણ કે લાગવગ વગર માત્ર યોગ્યતા અને પારદર્શક પ્રક્રિયા દ્વારા જ આ પસંદગી કરવામાં આવે છે. ધનતેરસના પવિત્ર અવસરે ગુજરાત સરકારના સચિવાલય પરિવારમાં વધુ 113 નવા પરિવારના સાથીઓ જોડાઈને જીવનની એક નવી યાત્રાનો પ્રારંભ કર્યો છે. રાજ્ય સરકારના આ પરિવારને વધુ મજબૂત બનાવવા માટે તમામ નવા સભ્યો પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરશે તેવો વિશ્વાસ નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, યુવાનોની કારકિર્દીને વધુ ઉજ્જવળ બનાવવા માટે વર્ષ 2024 થી 2033 સુધીમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-૩ની અંદાજિત 2.10 લાખ જગ્યાઓ પર સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતે ભરતી ક્ષેત્રે એક વ્યવસ્થિત માળખું ઊભું કર્યું છે, જેના કારણે ભરતી કેલેન્ડર દ્વારા યુવાનોને અગાઉથી જ આયોજન કરવાની તક મળી રહી છે. વર્ષ 2014 થી 2023 દરમિયાન કુલ 1,79,424 જગ્યાઓ પર ભરતી કરી 92.92 ટકા ભરતી પૂર્ણ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના અંતરિયાળ વિસ્તારો જેવા કે દાહોદ તેમજ બનાસકાંઠાની ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા નાના-નાના ગામડાઓના નાગરિકોના દીકરા-દીકરીઓ આજે સચિવાલયમાં DYSO જેવા મહત્વના પદો પર નિમણૂક પામ્યા છે. રાજ્યના અંતરિયાળ ગામડાઓમાંથી આવીને સચિવાલય સુધીની સફર સફળતાપૂર્વક પાર કરવી એ ખૂબ મોટો વિજય છે.
આ તમામ સફળતા પાછળ નવ નિયુક્ત અધિકારીઓના માતા-પિતાના વર્ષોના સંઘર્ષ અને સમર્પણનો મોટો ફાળો રહેલો છે. વહેલી સવારે જાગીને સંતાનોના ભવિષ્ય માટે તત્પર રહેનારા માતા-પિતાનું સપનું આજે સાકાર થયું છે. સફળતાના ઊંચા શિખરો સર કર્યા પછી પણ પોતાના વતન અને ગામડામાં રહેતા માતા-પિતા પ્રત્યે આદરભાવ જાળવી રાખવા નાયબ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય સરકારના મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, સરકારી કામકાજમાં મેરિટ અને પારદર્શિતા અત્યંત જરૂરી છે. હાલમાં સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓનો પ્રભાવ દેશ અને વિદેશમાં ખૂબ વધી રહ્યો છે, ત્યારે સરકારની અપેક્ષા છે કે કર્મચારીઓ પૂરી નિષ્ઠા, ઝડપ અને જવાબદારીથી કામ કરે. તેમણે કોઈ પણ ફાઇલ કે અરજીનો સમયસર નિકાલ કરી નાગરિકોની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવે તે બાબતે વિશેષ ભાર મુકવા નવા અધિકારીઓને જણાવ્યું હતું.
આ પ્રસંગે નવનિયુક્ત પામેલા અધિકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ