
ભાવનગર,06 નવેમ્બર (હિ.સ.)દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાની સંભવિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને, બોટાદ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલા ભંગારના ડેલાઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ, આગની દુર્ઘટનાઓ અટકાવવા તેમજ આગ લાગે ત્યારે તાત્કાલિક અને યોગ્ય પગલાં કેવી રીતે લેવા તે અંગે સંચાલકો અને કર્મચારીઓને માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા ભંગારના ડેલાઓમાં આગ લાગવાના સંભવિત કારણો અને તેનાથી ઊભા થઈ શકતા જોખમો અંગે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને ભંગારના ડેલાઓમાં જ્વલનશીલ વસ્તુઓનો, સંગ્રહ થતો હોવાથી આગ લાગવાની શક્યતા વધુ રહે છે. આથી સાવચેતી રાખવી, વીજળીના જોડાણો સુરક્ષિત રાખવા, ખુલ્લામાં આગ કે તણખાનો ઉપયોગ ટાળવો અને અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આગના પ્રારંભિક તબક્કામાં કયા પ્રકારનાં અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવો અને કઈ રીતે સુરક્ષિત રીતે આગ પર નિયંત્રણ મેળવવું તેની વ્યવહારુ તાલીમ પણ આપવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા ભંગારના ડેલા સંચાલકોને આગથી બચાવ માટે જરૂરી સાવચેતી રાખવા અને સુરક્ષાનાં સાધનોની વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી હતી. દિવાળીના પર્વ દરમિયાન નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે અને આગની દુર્ઘટનાઓ અટકાવી શકાય તેવા હેતુથી આ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA