
અમદાવાદ, 06 નવેમ્બર (હિ.સ.) : સોમનાથ શહેરના મંદિર આસપાસના ચોક્કસ વિસ્તારોમાં નોનવેજ વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ રાજ્ય સરકારના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકાર્યું હતું. જેમાં શહેરના ચોક્કસ વિસ્તારોમાં નોનવેજ વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા સોમનાથ મંદિર આસપાસ નોનવેજ નહીં વેચવાના 10 ઓગસ્ટના જાહેરનામાને રદ્દ કરી દેવાયું હતું. જો કે સરકારે તત્કાલિક સિંગલ જજના હુકમ સામે એક્ટિંગ ચીફ જજની ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરતા ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા 10 ઓગસ્ટના જાહેરનામાને લઈ સ્ટે આપ્યો હતો.
આ સ્ટે સામે અરજદારો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. અરજદારના વકીલ અસરાર મન્સૂરીના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે આ અપીલને 02 મહિનામાં ઝડપી પતાવવા નિર્દેશ આપ્યા છે. સ્ટે અંગે કોઈ હુકમ કર્યો ન હોવાથી, હાઇકોર્ટનો સ્ટે યથાવત રહેશે.
અરજદારના જણાવ્યા અનુસાર જ્યારે 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં આ કેસની પહેલી સુનાવણી થઈ હતી, ત્યારે મામલતદારે અરજદારો પાસે પોલીસ ચોકીમાં એક કબૂલાતનામા પર સહી કરાવી લીધી હતી કે તેઓ ભવિષ્યમાં નોનવેજ ખોરાક નહીં વેચે અને માત્ર શાકાહારી ચીજવસ્તુઓનો જ વેપાર કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ