
રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં ખેડૂત સાથે એગ્રીકલ્ચર લોન ચુકવણીના નામે રૂ. ૨૧ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બેંક કર્મચારી દ્વારા જ વિશ્વાસઘાત કરી આ રકમ અંગત ખાતામાં ખસેડવામાં આવતા ચકચાર મચી ગઈ છે અને આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, 150 ફૂટ રિંગરોડ ઉપર મવડીની અલયવાટીકામાં રહેતા અને ખેતીકામ કરતા અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (53)ને મકાન રીનોવેશન માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેમણે ખેતીની જમીન પર એગ્રીકલ્ચર લોન મેળવવા માટે મેટોડા એક્સિસ બેંકનો સંપર્ક કર્યો હતો. બેંકના લોન વિભાગમાં ફરજ બજાતા ભાવિન રમેશભાઈ વરસાણી અને તુષારભાઈ નામના કર્મચારીઓ ફરિયાદીના સંપર્કમાં આવ્યા હતા અને જરૂરી દસ્તાવેજો મેળવીને એપ્રિલ ૨૦૨૫માં રૂ. ૨૩.૬૦ લાખની લોન મંજૂર કરાવી આપી હતી, જેના કારણે આરોપી સાથે સારા સંબંધો બંધાયા હતા.
આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવીને લોનની રકમ ભરપાઈ કરવાની પ્રક્રિયામાં છેતરપિંડી આચરી હતી. છ મહિના બાદ નાણાંની વ્યવસ્થા થતાં ફરિયાદીએ લોન ચૂકવવાની ઇચ્છા વ્યક્ત કરતા, આરોપીએ ગ્રામીણ બેંકના ખાતામાંથી એક્સિસ બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું.
આ પ્રક્રિયા દરમિયાન આરોપીએ અલગ-અલગ તારીખે લોન ખાતામાં જમા કરાવવાના બહાને ફરિયાદીનો મોબાઈલ ફોન મેળવ્યો હતો અને ટેકનિકલ પ્રક્રિયાના નામે રૂ. ૧૦ લાખ તથા રૂ. ૯ લાખ એમ કુલ રૂ. ૧૯ લાખ પોતાના વહીવટ હેઠળના ખાતામાં ડાયવર્ટ કર્યા હતા.
ત્યારબાદ વધુ રૂ. ૨ લાખ રોકડા પણ લોનમાં જમા કરાવવા માટે લીધા હતા અને લોન ભરપાઈ થઈ ગયાનું ખોટું આશ્વાસન આપ્યું હતું. સમય જતાં બેંકમાંથી વ્યાજ ભરવા બાબતે ફોન આવતા અને ફરિયાદી દ્વારા રૂબરૂ તપાસ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
એક્સિસ બેંકની કે.કે.વી. બ્રાન્ચમાં જઈને તપાસ કરતાં લોનમાં કોઈ રકમ જમા થઈ ન હોવાનું અને આરોપીએ આ તમામ નાણાં પોતાની પત્ની વૈશાલીબેનના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હોવાનું બહાર આવ્યું હતું.
ઘટના સામે આવ્યા બાદ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો ફોન બંધ આવતો હતો અને તેના પિતા દ્વારા પણ ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી રૂ. ૨૧ લાખ પરત ન મળતા આખરે પીડિત ખેડૂતે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ભાવિન વિરુદ્ધ ગુનો નોંધીને નાણાંની હેરાફેરી અને અન્ય સંડોવાયેલા પાસાઓની સઘન તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt