
સુરત, 06 નવેમ્બર (હિ.સ.): ધનતેરસના પાવન અવસરે સુરત જિલ્લાના બાળકોની સુરક્ષા અને સંરક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી જિલ્લા સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર જિલ્લા બાળ સુરક્ષા એકમની ચાઈલ્ડ હેલ્પલાઈન યુનિટની નવીન કચેરીનો જિલ્લા કલેક્ટર તેજસ પરમારે શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, બાળકોને લગતી કોઈપણ સમસ્યા કે મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 ચોવીસ કલાક કાર્યરત છે. કોઈપણ બાળક અથવા નાગરિક પોતાના મોબાઈલ કે લેન્ડલાઈન ફોન મારફતે 1098 અથવા 112 નંબર પર સંપર્ક કરી શકે છે. હેલ્પલાઈન પર મળતી દરેક ફરિયાદની તપાસ કરીને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં આ હેલ્પલાઈન પર અંદાજે ૭૪ જેટલા કોલ પ્રાપ્ત થયા છે. બાળકોને લગતી કોઈપણ સમસ્યા, મુશ્કેલી કે સંકટની સ્થિતિમાં નાગરિકો આ કચેરીનો સંપર્ક કરે અથવા હેલ્પલાઈન પર જાણ કરવાનો અનુરોધ કર્યો હતો.
ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત સંચાલિત રાષ્ટ્રીય સેવા છે. જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરનાં સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ હેલ્પલાઈન ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ 112 સાથે સંકલિત હોવાથી મુશ્કેલીના સમયે ઝડપી પ્રતિસાદ મળી રહે છે.
આ હેલ્પલાઈન પર બાળક પોતે અથવા માતા-પિતા, વાલી, પડોશી, સગાંસંબંધીઓ, શિક્ષકો તેમજ સમાજનો કોઈપણ જવાબદાર નાગરિક સંપર્ક કરી શકે છે. બાળમજૂરી, બાળવિવાહ, બાળકો ગુમ થવા કે મળી આવવા, શોષણ, હિંસા, ત્યજાયેલાં બાળકો, કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો તથા અન્ય સંવેદનશીલ પરિસ્થિતિઓમાં બાળકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવે છે. તબીબી અને કાનૂની સહાય, આશ્રય, મનોસામાજિક અને ભાવનાત્મક સમર્થન તેમજ પુનર્વસન જેવી સેવાઓ માટે પણ આ હેલ્પલાઈન માર્ગદર્શક અને સહાયક ભૂમિકા ભજવે છે.
હેલ્પલાઈન પર મળતા કોલને ઇમરજન્સી, નોન-ઇમરજન્સી અને માહિતીલક્ષી એમ ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરીને જરૂરિયાત મુજબ સંબંધિત વિભાગો અને અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે, જેથી બાળકોને સમયસર યોગ્ય સહાય અને સુરક્ષા મળી રહે.
નવીન કચેરીના લોકાર્પણ પ્રસંગે બાળ સુરક્ષા અને બાળ અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી રંગોળી સહિતના જાગૃતિપ્રેરક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 1098 અને 112 હેલ્પલાઈનની માહિતી આપતાં પોસ્ટર તથા પ્રદર્શનના માધ્યમથી ઉપસ્થિત નાગરિકોને બાળકોની સુરક્ષા માટે જાગૃત રહેવા અને જરૂરિયાતના સમયે તાત્કાલિક જાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે સમાજ સુરક્ષાના નાયબ નિયામક ભાર્ગવીબેન નીનામા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજયભાઈ પરમાર, રિજનલ કો-ઓર્ડિનેટર ખુશ્બુ પટેલ સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે