રાજકોટ સહિત રાજ્યભરની અદાલતોમાં દિવાળી વેકેશન જાહેર, 8 નવેમ્બરથી એક સપ્તાહ માટે રજાઓ રહેશે
રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ સહિત રાજ્યભરની જિલ્લા અને તાલુકા કક્ષાની અદાલતોમાં દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને એક સપ્તાહનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તારીખ ૭ ના રોજ રાબેતા મુજબનું કામકાજ પૂર્ણ થયા બાદ તારીખ ૮ થી ૧૫ સુધી અદાલતો બંધ રહ
ચુકાદો


રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ સહિત રાજ્યભરની જિલ્લા અને તાલુકા કક્ષાની અદાલતોમાં દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને એક સપ્તાહનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તારીખ ૭ ના રોજ રાબેતા મુજબનું કામકાજ પૂર્ણ થયા બાદ તારીખ ૮ થી ૧૫ સુધી અદાલતો બંધ રહેશે. તહેવારો દરમિયાન નાગરિકો અને પક્ષકારોની સુવિધા તેમજ ઈમરજન્સી કેસોના નિકાલ માટે ખાસ ન્યાયાધીશોને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આગામી તારીખ ૧૬ સોમવારથી તમામ અદાલતો પુનઃ ધમધમતી થશે.

મળતી વિગતો અનુસાર રાજકોટ શહેર, જિલ્લા તેમજ તમામ તાલુકા કક્ષાની અદાલતોમાં દિવાળી વેકેશન દરમિયાન વકીલો અને અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર સુધી જજ અને કર્મચારીઓ નિયમિત કામગીરી કરશે, જેના પછી રવિવારથી સપ્તાહભરની રજાઓનો અમલ શરૂ થશે. દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય કેસોની કાર્યવાહી સ્થગિત રહેશે પરંતુ અત્યાવશ્યક બાબતો માટે અદાલતી દ્વાર ખુલ્લા રહેશે.

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આ અંગેની સત્તાવાર જાણ રાજકોટ બાર એસોસિએશન તેમજ સંબંધિત તમામ વકીલ મંડળોને કરી દેવામાં આવી છે. કોઈપણ વકીલ કે પક્ષકારને અર્જન્ટ મેટરની કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થાય તો તે માટે અદાલત પ્રશાસન દ્વારા તમામ સ્તરે ચાર્જ સોંપણી કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી રજાના દિવસોમાં પણ અતિ મહત્વના કાનૂની કામો અટકે નહીં.

ખાસ કરીને ફોજદારી બાબતોમાં જામીન અરજીઓ તેમજ સિવિલ બાબતોમાં અર્જન્ટ મનાઈ હુકમ (સ્ટે ઓર્ડર) જેવા કેસોમાં જો ઈમરજન્સી જણાય તો વકીલો વેકેશન દરમિયાન નિયુક્ત ન્યાયાધીશો સમક્ષ ઈમરજન્સી સુનાવણી કરાવી શકશે. આ પ્રકારના આગોતરા આયોજનથી વેકેશનના ગાળામાં પણ તાત્કાલિક રાહત મેળવવા ઈચ્છતા અરજદારોને મોટી રાહત મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande