
રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફોર્ચ્યુન મિલ્ક, ગાયત્રી ડેરી, પ્રકાશ હરસોડા અને ભગવતી ટ્રેડીંગમાંથી લેવાયેલા પનીરના નમુનાઓ ફેટ ઓછા અને મોઇસ્ચર વધુ હોવા તેમજ ફોરેન ફેટની માત્રા વધારાની માલૂમ પડતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. તંત્ર દ્વારા આ ચારેય પેઢીઓ સામે કાયદેસરની એજ્યુડીકેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૬૨ પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી. મોરબી રોડ પર આવેલા ચામુંડા ફરસાણમાંથી ૨૫૧ કિલો અખાદ્ય અને વાસી ફરસાણ તેમજ વોશિંગ સોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેને સોલિડ વેસ્ટ વિભાગની ટીપર વાનમાં ફેંકી દેવાયો હતો. આ ઉપરાંત સત્યસાંઇ રોડ પરના હેમ્પર સ્ટોરમાંથી એક્સપાયર થયેલી ૧૮ કિલો ચોકલેટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ડ્રાઇવ અંતર્ગત કુલ ૨૬૯ કિલો અખાદ્ય માલનો નાશ કરાઈને બે પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂપિયા ૧૧ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. મવડી મેઇન રોડ પર આવેલી અવધ ડેરી સહિત અન્ય ડેરીઓ અને પ્રોવિઝન સ્ટોર્સમાંથી પણ દૂધ અને અન્ય ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા જગન્નાથ ચોક, માયાણીનગર, અંબિકા ટાઉનશીપ અને નાના મવા સર્કલ સહિતના મુખ્ય વિસ્તારોમાં ખાધ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે આ ચેકિંગ ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વ્યાપારીઓ સામે ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી ચીલો ચાંપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt