
ગીર સોમનાથ, 06 નવેમ્બર (હિ.સ.) : જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં કોડિનાર તાલુકાના માલગામ ખાતે 'કોડિનાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના'નું ખાતમુહૂર્ત કરાયું હતું.
જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, 'જલ જીવન મિશન' અંતર્ગત પાણી પુરવઠા વિભાગ દ્વારા કોડિનાર, ગીરગઢડા અને સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પાણીની સુવિધા મજબૂત બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ આયોજન હાથ ધરાયું છે.
અંદાજિત રૂ.૧૨૭.૫૭ કરોડના ખર્ચે ૨૪ મહિનામાં પૂર્ણ થનાર આ યોજના અંગે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાના અમલીકરણથી દરિયાકાંઠાના ગામોમાં ક્ષારયુક્ત પાણીની સમસ્યાથી મુક્તિ મળશે. સાથોસાથ પીવાના પાણી માટે સ્થાનિક નાગરિકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે તેમજ આરોગ્ય, સ્વચ્છતા અને જીવનધોરણમાં સુધારો લાવવામાં પણ મદદરૂપ બનશે.
શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી લોકોપયોગી અને જનકલ્યાણકારી યોજનાનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.
'કોડિનાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના' અંતર્ગત કોડિનાર તાલુકાના ૬૦ ગામો, સૂત્રાપાડાના ૧૩ અને ગીર ગઢડાના ૦૩ ગામોને આવરી લેવાયા છે.
આ યોજના અંતર્ગત આગામી વર્ષોને ધ્યાને રાખીને ૭૩ ગામોની અંદાજિત ૪ લાખ વસ્તીને શુદ્ધ પીવાનું પાણી મળશે.
હાલમાં પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ ૭૦ લિટરના પાણી પુરવઠાના સ્તરને વધારીને ૧૦૦ લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આગામી વર્ષોમાં આ ૭૩ ગામોની અંદાજિત પાણીની માંગ આશરે ૩૮.૯૬ મિલિયન લિટર પ્રતિ દિવસ રહેવાની ગણતરીના આધારે લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
“જલ હી જીવન હૈ” ના મંત્ર સાથે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાંનો આ એક સંનિષ્ઠ પ્રયાસ છે એમ મંત્રીએ ઉમેર્યું હતું.
પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, કોડિનાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના (ગ્રામ્ય) દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને નાગરિકોને ઘરઆંગણે નળ દ્વારા શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માટે ઉપયુક્ત બનશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે હાથ ધરવામાં આવેલી આ પહેલથી સ્થાનિક ગ્રામજનોને લાંબાગાળે લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે, કોડિનાર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીના સ્રોત તરીકે શિંગોડા નદીના પાણી તેમજ મહી-નર્મદા આધારિત બલ્ક પાઇપલાઇન મારફતે મળતા પાણીનો ઉપયોગ કરવાનું આયોજન છે. પાણીની શુદ્ધતા અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે માલગામ અને ઘાંટવડ ખાતે નવા જળ શુદ્ધિકરણ પ્લાન્ટની જોગવાઈ પણ કરવામાં આવશે.
આ યોજના હેઠળ અંદાજિત ૧૭૭ કિલોમીટર લાંબી પાઇપલાઇન પાથરવા ઉપરાંત ૧૪ પમ્પિંગ મશીનરી, ૦૯ હેડવર્ક્સ સ્તરના સંપ, ૫૬ ગામસ્તરના સંપ તથા ૦૨ ઊંચી ટાંકીની માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.
આ વ્યવસ્થા દ્વારા સંબંધિત ગામોમાં વસ્તીના આધારે પાણીનું વિતરણ કરાશે અને તેમને શુદ્ધ પીવાનું પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન બાંભણિયા, કોડિનાર નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલા, પ્રાંત અધિકારી અજય શામળા, પાણી પુરવઠા બોર્ડના ઝોન-૫ના મુખ્ય ઈજનેર શશિ વાઘેલા સહિત પાણી પુરવઠા, સિંચાઈ વિભાગ, ક્ષાર-અંકુશના અધિકારીઓ-કર્મચારીઓ, સરપંચઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ