બાલાસિનોરના જોરાપુરા ગ્રામ પંચાયત ખાતે આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
મહીસાગર/ગાંધીનગર, 06 નવેમ્બર (હિ.સ.) મહીસાગર જિલ્લાના પ્રવાસે સહપરિવાર પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જોરાપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે શિક્ષણ, વ્યસનમુક્ત સમાજ, સામાજિક સમરસ
રાત્રિસભા


રાત્રિસભા


મહીસાગર/ગાંધીનગર, 06 નવેમ્બર (હિ.સ.) મહીસાગર જિલ્લાના પ્રવાસે સહપરિવાર પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જોરાપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે શિક્ષણ, વ્યસનમુક્ત સમાજ, સામાજિક સમરસતા, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું છે કે ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે. પશુધન વિનાની ખેતી અને ખેતી વિનાનું પશુપાલન આર્થિક રીતે નુકસાનકારક સાબિત થાય છે. ગ્રામીણ પરિવારોની આવક વધારવા માટે પશુઓની નસ્લ સુધારણા અને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીનો સમન્વય અનિવાર્ય છે.

શિક્ષણની સાથે સંસ્કારના મહત્વ વિશે વાત કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને સંસ્કાર એ કોઈ પણ સમાજ અને પરિવારની પ્રગતિના મુખ્ય આધારસ્તંભ છે. વર્તમાન સમયમાં મોબાઈલ, ટીવી અને ખરાબ સંગત બાળકોને ગેરમાર્ગે દોરી શકે છે. મિલકત કે સંપત્તિ કમાઈ આપવા કરતાં બાળકોને ઉચ્ચ સંસ્કાર આપવા વધુ જરૂરી છે, કારણ કે સંસ્કારો વગરનું બાળક વ્યસનો અને ખરાબ સંગતમાં પડીને સમગ્ર સંપત્તિ બરબાદ કરી દે છે.

રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં શુદ્ધ પર્યાવરણ અને ભૂગર્ભ જળની વિપુલ ઉપલબ્ધતા એક કુદરતી વરદાન છે. ખેડૂતો પોતાના ખેતરના ઓછામાં ઓછા એક ભાગમાં પરિવાર માટે ઝેરમુક્ત અનાજ અને શાકભાજી પકવે અને ધીમે ધીમે સમગ્ર ખેતીને પ્રાકૃતિક ખેતી તરફ વાળે તે સમયની માંગ છે. આજે રાજ્યભરમાં અને દેશભરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. ડાંગ જિલ્લાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લો બન્યા બાદ ત્યાંના ઉત્પાદનો સુરત સહિતના મોટા શહેરોમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે.

આ અવસરે પ્રાકૃતિક ખેતી અપનાવવા ગ્રામજનોને આહ્વાન કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવી દીધું છે. અનેક ગંભીર બીમારીઓનું મૂળ કારણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓવાળા ઝેરયુક્ત ઉત્પાદનો છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં માનનીય લેડી ગવર્નર દર્શના દેવીજીએ ભજનનું ગાન કરી ઉપસ્થિત ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, પોલીસ અધિક્ષક સફિન હસન સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં જોરાપુરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

-

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande