

મહીસાગર/ગાંધીનગર, 06 નવેમ્બર (હિ.સ.) મહીસાગર જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પોતાની મુલાકાતના પ્રથમ દિવસે ગુરુવારે સાંજે બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામની મુલાકાત લીધી હતી. ગામના મુખ્ય ચોક ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં રાજ્યપાલએ સ્વયં હાથમાં ઝાડુ પકડીને શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગની વિશેષ વાત એ રહી કે, રાજ્યપાલની સાથે તેમના ધર્મપત્ની માનનીય લેડી ગવર્નર દર્શના દેવીજી, પુત્રવધૂ કવિતાજી તથા પૌત્ર આર્યમને પણ ઉત્સાહપૂર્વક સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સફાઈ કરી શ્રમદાન કર્યું હતું. રાજ્યના પ્રથમ નાગરિકને તેમના સમગ્ર પરિવાર સાથે જાતે સફાઈ કરતા જોઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ મિશન અંતર્ગત જોરાપુરા ગામમાં વૃક્ષો વાવવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. ગામ એ આપણી માતૃભૂમિ અને કર્મભૂમિ હોવાથી તેને સ્વચ્છ અને પવિત્ર રાખવું એ આપણી નૈતિક ફરજ છે. પૂજ્ય બાપુના વિચારોને ટાંકીને તેમણે ઉમેર્યું કે, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે. સ્વચ્છતા જાળવવાથી ગામ રોગમુક્ત બને છે અને લોકોના આરોગ્ય ખર્ચમાં પણ બચત થાય છે. તેમણે માત્ર સફાઈ કર્મચારીઓ પર નિર્ભર રહેવાને બદલે દરેક નાગરિકને કચરો ન ફેલાવવા અને કાયમી ધોરણે સ્વચ્છતા જાળવવા સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, કચરો ફેલાવનાર કરતાં કચરો સાફ કરનાર વ્યક્તિ હંમેશાં મોટો અને આદરણીય હોય છે. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલએ ગામના સફાઈ કર્મચારીઓનું સન્માન કરી તેમની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે તેમણે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને બાળકોના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પવાર, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ સોલંકી, અગ્રણી દશરથ બારિયા, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન, ગામના સરપંચ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ