
જૂનાગઢ 6 નવેમ્બર (હિ.સ.) : બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત ધનતેરસના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે વંથલી તાલુકાના વાડલા ગામ ખાતે બાલિકા પંચાયત દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી. જાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા હબ ફોર વિમેન એમ્પાવરમેન્ટની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ધનતેરસના પર્વને નારીશક્તિના સન્માન અને સમૃદ્ધિના પ્રતીક તરીકે ઉજવવાની સાથે સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાય તેવા આશયથી આ રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધા દરમિયાન વાડલા ગામની બાલિકા પંચાયતની સભ્યો અને ગામની દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધામાં દીકરીના જન્મને વધાવવો, દીકરીઓનું શિક્ષણ, જાતિગત સમાનતા, બાળિકાઓની સુરક્ષા અને દીકરીઓના જન્મદર અંગે જાગૃતિ જેવા વિષયોને રંગોળીના માધ્યમથી સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનનો સંદેશ ગ્રામ્ય સ્તરે જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા હબ ફોર વિમેન એમ્પાવરમેન્ટની ટીમ, વન સ્ટોપ સેન્ટર (OSC)નો સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, બાલિકા પંચાયતની સભ્યો તથા ગામની બાલિકાઓ ઉપસ્થિત રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ