
જુનાગઢ 06 નવેમ્બર (હિ.સ.): જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં રૂ.૪૩.૯ કરોડના ખર્ચે નવી યોજનાઓના ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે તા.૦૬/૧૧/૨૦૨૬ ના રોજ માળીયા હાટીના તાલુકાના અમરાપર મુકામે યોજાયો હતો.
કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પીવાનું અને વાપરવા માટેનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે સરકાર સતત કટિબદ્ધ રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કલ્પસર યોજના, નળ સે જળ અભિયાન, સુજલામ સુફલામ અભિયાન, જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના આ બધા થકી આજે રાજ્યના લાખો લોકોને ઘરે બેઠા પીવાનું સ્વચ્છ પાણી મળે છે.
આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના ૪૨ ગામો, મેંદરડા તાલુકાના ૫ ગામો તથા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું ૧ ગામ આમ કુલ ૪૮ ગામો માટેની ₹૩૫.૨૦ કરોડની માળીયા ભાગ-૧ અને ભાગ-૨ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાઓથી જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યામાં મોટી રાહત મળશે.
આ જ યોજના અંતર્ગત માળીયા ભાગ-૧ માં માળીયા હાટીના તાલુકાના ૩૦ ગામો અને મેંદરડા તાલુકાના ૫ ગામો આમ કુલ ૩૫ ગામોને આવરી લેવાયા છે. જેમાં રૂ. ૧૯.૭૭ કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અન્વયે ૬૨, ૪૩૨ લોકોને લાભાન્વિત કરવામાં આવશે.
તેમજ માળીયા ભાગ-૨ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં માળીયા હાટીના તાલુકાના ૧૨ ગામો અને વેરાવળ તાલુકાના ૧ ગામો સહિત કુલ ૧૩ ગામોને આવરી લેવાયા છે. જેની હાલની વસ્તી ૨૭, ૭૧૮ છે. આ માટે રૂ.૧૫.૪૩ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
આ સાથે જ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના ૧૮ ગામોને આવરી લેતી રૂ. ૮.૭૦ કરોડની બિલખા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાથી ૪૪, ૬૭૦ જેટલી વસ્તીને લાભ મળશે.
આ તકે મંચસ્થ મહેમાનોના હસ્તે લોકાર્પણની ઈ તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ જૂનાગઢ જિલ્લામાં આ યોજનાના વિકાસની ઝાંખી કરાવતી દસ્તાવેજી ચલચિત્ર પણ સર્વેએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, ચંદુભાઈ મકવાણા સહિતના વિવિધ લોક અગ્રણીઓ, સરપંચઓ, લાભાર્થીઓ, સંબંધિત પાણી પુરવઠા વિભાગના અધિકારીગણ, કર્મચારીગણ તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો હાજર રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ