



ગુજરાતમાં એક વર્ષમાં વીજ અકસ્માતોએ 550 માનવીઓ અને 400થી વધુ અબોલ પશુઓનો ભોગ લીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો : ઘરમાં ELCB અને RCCB લગાવવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલની અપીલ
કચ્છ, 06 નવેમ્બર (હિ.સ.) : તહેવારોની ખુશીઓ વચ્ચે સુરક્ષાની સાવચેતી જળવાઈ રહે અને વીજળીના જોખમને કારણે કોઈ પરિવારને દુઃખદ ઘટના સહન ન કરવી પડે તેવા ઉમદા આશય સાથે ભુજની વરિષ્ઠ નાગરિકોની સંસ્થા હાસ્ય પરિવાર સંઘ દ્વારા દાદા-દાદી પાર્ક ખાતે વીજ સલામતી અંગે વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપાવલી સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકોને ઘર, દુકાન અને આસપાસના વિસ્તારોમાં વીજળીના ઉપયોગ દરમિયાન રાખવાની તકેદારીઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ભુજના ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલે વીજ અકસ્માતોની ગંભીરતા સમજાવતા ચિંતાજનક આંકડા રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હિસાબી વર્ષ 2024-25 દરમિયાન વીજ અકસ્માતોના કારણે અંદાજે 550 માનવીઓ અને 400 જેટલાં અબોલ પશુઓએ જીવ ગુમાવ્યા હતા. વીજ સલામતી પ્રત્યેની બેદરકારી અને પૂરતી જાણકારીનો અભાવ આવી દુર્ઘટનાઓ પાછળનાં મહત્વનાં કારણો બની શકે છે, ત્યારે દરેક નાગરિકે સાવચેતીને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની જરૂરિયાત તેમણે દર્શાવી હતી.
તેમણે ખાસ કરીને ઘરો અને વ્યવસાયિક એકમોમાં ELCB અથવા RCCB જેવા સુરક્ષા ઉપકરણો લગાવવાની ભલામણ કરી હતી. આ સાધનો વીજ પ્રવાહમાં લીકેજ જણાય ત્યારે વીજ પુરવઠો આપમેળે બંધ કરવામાં મદદરૂપ બને છે, જેથી કરંટ લાગવા જેવી ગંભીર ઘટનાઓનું જોખમ ઘટાડી શકાય છે. આ ઉપરાંત વરસાદી માહોલમાં વીજ થાંભલાઓની આસપાસ પાણી ભરાયું હોય તો ત્યાંથી દૂર રહેવા અને થાંભલાને સ્પર્શ ન કરવા પણ અપીલ કરી હતી.
ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કચેરીના સિનિયર કારકુન એમ.આઈ. બાયડે કચ્છની મહેમાનગતિ, સંસ્કૃતિ અને વરિષ્ઠ નાગરિકોના સ્નેહની સરાહના કરી હતી. તેમણે મુખ્ય વક્તાને કચ્છના આ પ્રેમનો સંદેશ ભાવનગર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
હાસ્ય પરિવાર સંઘના પ્રમુખ જગદીશભાઈ ગોરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતે એમ.આઈ. બાયડે મહેમાનો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર માન્યો હતો. સંસ્થાના દિલીપભાઈ સોની, અશ્વિનભાઈ જાની, પ્રદીપભાઈ ઐયર, રાજુભાઈ ઐયર, જમનાભાઈ ઠક્કર, યોગેશભાઈ જોશી સહિતના કાર્યકરોએ આયોજનને સફળ બનાવવા સક્રિય સહયોગ આપ્યો હતો. આ સેમિનાર દ્વારા તહેવારોની ઉજવણી સાથે જીવનની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar