
એક સમયે કેન્સરની ગાંઠથી પથારીવશ બનેલી કુકમાની બાળકી આજે હસતી-રમતી થઈ સ્વસ્થ; RBSK ટીમની સતત સમજાવટ, પરિવારનો સહકાર અને સમયસર સારવાર બની જીવનદાતા
કચ્છ, 06 નવેમ્બર (હિ.સ.) : ધનતેરસના પર્વે જ્યારે લોકો સુખ, સમૃદ્ધિ અને ધનની કામના કરતા હોય છે, ત્યારે કચ્છના કુકમા ગામના એક પરિવાર માટે આ પર્વ સાચા અર્થમાં અમૂલ્ય ખુશી લઈને આવ્યું છે. પરિવારની ચાર વર્ષની નાનકડી દીકરી લક્ષ્મી દેવા રોશિયાએ કેન્સર જેવી જીવલેણ બીમારી સામેની લડાઈમાં વિજય મેળવ્યો છે. એક સમયે ગંભીર બીમારીના કારણે પથારીવશ થઈ ગયેલી આ બાળકી આજે ફરી હસતી-રમતી સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહી છે. આ શક્ય બન્યું છે આરોગ્ય વિભાગની RBSK ટીમની નિષ્ઠા, સતત પ્રયત્નો અને સમયસર મળેલી તબીબી સારવારના કારણે.
ભુજ તાલુકાના કુકમા ગામના વણકર વાસમાં રહેતી લક્ષ્મીને આશરે દોઢ વર્ષ પહેલાં પેટમાં દુખાવો, અસામાન્ય સોજો અને પેશાબ કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ શરૂ થઈ હતી. તબીબી તપાસમાં તેના પેટમાં કેન્સરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. બાળકી વિલ્મ્સ ટ્યુમર (Wilms' Tumour) નામના કેન્સરથી પીડિત હોવાનું નિદાન થતાં પરિવાર માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો.
બાળકીની સ્થિતિની ગંભીરતા સમજી કુકમાની RBSK ટીમના ડૉ. બ્રિજેશ પંડ્યા અને ડૉ. મુનમુન સેજપાલે પરિવારને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવા સમજાવવાનું શરૂ કર્યું હતું. જોકે શરૂઆતમાં પરિવાર બાળકીની સારવાર માટે અમદાવાદ લઈ જવા તૈયાર નહોતો. તેમ છતાં આરોગ્ય કર્મચારીઓએ હિંમત હારી નહીં. વારંવાર ઘર મુલાકાત, સમજાવટ અને સતત ફોલોઅપ દ્વારા પરિવારને સારવારનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું.
દિવાળીના તહેવારો નજીક હતા ત્યારે RBSK ટીમ ફરી બાળકીના ઘરે પહોંચી. આ વખતે લક્ષ્મીની હાલત અત્યંત નાજુક હતી. તે છેલ્લા એક અઠવાડિયાથી પથારીવશ હતી, ખાવા-પીવામાં અસમર્થ હતી અને પેટનો સોજો પણ ખૂબ વધી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈ આરોગ્ય વિભાગે સામૂહિક પ્રયાસો હાથ ધર્યા. મેડિકલ ઓફિસર, આંગણવાડી કાર્યકર, સગાં-સંબંધીઓ અને સામાજિક આગેવાનોની હાજરીમાં પરિવારને સમજાવવામાં આવ્યો અને અંતે અમદાવાદમાં સારવાર કરાવવા સહમતી મળી.
ત્યારબાદ છથી આઠ મહિના સુધી જરૂરી તબીબી સારવાર આપવામાં આવી. સતત સારવારના પરિણામે લક્ષ્મીની તબિયતમાં સુધારો થયો અને આજે તે સ્વસ્થ છે.
આ સફળતામાં ભુજ તાલુકા હેલ્થ ઓફિસર, PHC કુકમાના મેડિકલ ઓફિસર ડૉ. ધારા અજાણી, RBSKના ડૉ. બ્રિજેશ પંડ્યા, ડૉ. મુનમુન સેજપાલ, FHW શાંતિબેન સહિત આરોગ્ય વિભાગના સમગ્ર સ્ટાફનું યોગદાન સરાહનીય રહ્યું છે.
લક્ષ્મીની આ કહાની સાબિત કરે છે કે સમયસર સારવાર, યોગ્ય માર્ગદર્શન અને આરોગ્ય કર્મચારીઓની અવિરત મહેનતથી મુશ્કેલ લડાઈ પણ જીતી શકાય છે. આ ધનતેરસે પરિવાર માટે સોનાચાંદી કરતાં પણ વધુ કિંમતી ભેટ લક્ષ્મીનું સ્વાસ્થ્ય અને તેના ચહેરા પર પાછું ફરેલું નિર્દોષ સ્મિત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar