



માતાના મઢ ખાતે Nestlé Indiaના સહયોગથી એક દિવસીય FoSTaC તાલીમ શિબિર યોજાઈ; સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા અને સુરક્ષિત ખોરાક પીરસવા અંગે વેપારીઓને અપાયું માર્ગદર્શન
કચ્છ, 06 નવેમ્બર (હિ.સ.) : કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સ્વચ્છ, સુરક્ષિત તથા ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. માતાના મઢ ખાતે વ્યવસાય કરતા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના આશયથી એક દિવસીય 'Serve Safe Food (FoSTaC)' તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Nestlé Indiaના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 100 જેટલા સ્થાનિક ખાદ્યપદાર્થોના વિક્રેતાઓએ ભાગ લઈ તાલીમ મેળવી હતી.
માતાના મઢ જેવા ધાર્મિક સ્થળે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે. અહીં રસ્તા પર ખાણીપીણીનો વ્યવસાય કરતા વેપારીઓની જવાબદારી માત્ર ગ્રાહકોને ખોરાક પીરસવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમને આરોગ્યપ્રદ અને સ્વચ્છ ખાદ્યપદાર્થો પૂરા પાડવાની પણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યોજાયેલી તાલીમમાં ખાદ્યપદાર્થોની બનાવટથી લઈને સંગ્રહ, જાળવણી અને ગ્રાહકોને પીરસવા સુધીની પ્રક્રિયામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે સમજ આપવામાં આવી હતી.
ખાસ કરીને ખોરાક બનાવવાની જગ્યાની સ્વચ્છતા, રસોઈમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા, વ્યક્તિગત સ્વચ્છતા, હાથની સફાઈ, ખાદ્યપદાર્થોનું યોગ્ય હેન્ડલિંગ અને દૂષિત ખોરાકથી થતા સંભવિત નુકસાન જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેપારીઓ રોજિંદા વ્યવસાયમાં ફૂડ સેફ્ટીના નિયમોનો અમલ કરી શકે તે માટે વ્યવહારુ સમજણ પણ આપવામાં આવી હતી.
તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા આશરે 100 જેટલા વેન્ડર્સને પ્રોત્સાહનરૂપે સત્તાવાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ સાથે ખોરાક તૈયાર કરતી વખતે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એપ્રોન, ગ્લોવ્સ અને જરૂરી સુરક્ષા સામગ્રી ધરાવતી સેફ્ટી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર અભિયાનમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. પટેલે સક્રિય સહભાગિતા નોંધાવી હતી. તેમણે વેપારીઓને ફૂડ સેફ્ટી સંબંધિત નિયમો અને ધોરણોનું પાલન કરવા પ્રોત્સાહિત કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમથી માતાના મઢના સ્ટ્રીટ ફૂડ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે વધુ સમજ વિકસશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધાર્મિક સ્થળની મુલાકાતે આવતા હજારો શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે આ પહેલ જાહેર આરોગ્યની દિશામાં નોંધપાત્ર બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar