નખત્રાણામાં અનોખી પહેલ, દિવાળીની ખુશીઓમાં દિવ્યાંગ બાળકોને પણ સહભાગી બનાવ્યા!
નખત્રાણા ડે-કેર સેન્ટરના ૫૫ બાળકોને મીઠાઈ અને ફટાકડાની ભેટ આપી સેવાભાવીઓએ ઉજવી અનોખી દિવાળી. કચ્છ, 06 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પર્વની સાચી ઉજવણી ત્યારે સાર્થક બને છે, જ્યારે સમાજના દરેક વર્ગના ચહેરા પર ખુશીની ચમક જોવા મળે. સેવાની ભાવના અને માન
નખત્રાણા ખાતે ફટાકડા વિતરણ કરવામાં આવ્યા


નખત્રાણા ખાતે ફટાકડા વિતરણ કરવામાં આવ્યા


- નખત્રાણા ડે-કેર સેન્ટરના ૫૫ બાળકોને મીઠાઈ અને ફટાકડાની ભેટ આપી સેવાભાવીઓએ ઉજવી અનોખી દિવાળી.

કચ્છ, 06 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પર્વની સાચી ઉજવણી ત્યારે સાર્થક બને છે, જ્યારે સમાજના દરેક વર્ગના ચહેરા પર ખુશીની ચમક જોવા મળે. સેવાની ભાવના અને માનવતાના સુંદર સમન્વય સાથે નખત્રાણામાં સેવાભાવી સંસ્થાઓએ દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચીને સામાજિક સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પૂજ્ય સંત જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી અને દિવાળીના પાવન અવસરને યાદગાર બનાવવા નખત્રાણા ડે-કેર સેન્ટરના ૫૫ જેટલા બાળકોને મીઠાઈ, પ્રસાદી અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ, નખત્રાણા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ તથા શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સંયુક્ત પ્રયાસોથી કે.સી.આર.સી. અંધજન મંડળ, ભુજ દ્વારા સંચાલિત નખત્રાણા ડે-કેર સેન્ટર ખાતે આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ડે-કેર, ફિઝિયોથેરાપી અને વિઝન સેન્ટરમાં અભ્યાસ તથા સારવાર લેતા બાળકોને જલારામ બાપાની પ્રસાદીરૂપે મીઠાઈ સાથે ફટાકડાની ભેટ આપવામાં આવી હતી. ભેટો મળતાં બાળકોના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી હતી અને દિવાળીના પર્વની આનંદમય ક્ષણો સર્જાઈ હતી.

આ સેવાકાર્યમાં કોટડા (જ.)ના પંકજ કાનજી દૈયાએ ફટાકડાનું દાન આપ્યું હતું, જ્યારે ભુજના હિમાંશુભાઈ સેજપાલ અને મિતેશભાઈ પવાણીએ મીઠાઈની વ્યવસ્થા કરી હતી. નોંધનીય છે કે આ બંને દાતાઓ છેલ્લા ૧૨ વર્ષથી સતત મીઠાઈ વિતરણના સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

કાર્યક્રમમાં મહેન્દ્ર ગટ્ટા, નીતિનભાઈ ઠક્કર, વિઘ્નેશભાઈ દૈયા, નવીનભાઈ રૂપારેલ, ભાવિનભાઈ પલણ, રાજદીપભાઈ મજેઠીયા અને મેહુલભાઈ દાવડા સહિત ભુજના આગેવાનો તથા સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ પલણે જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષથી જલારામ બાપાની પ્રસાદીરૂપે આશરે ૫૦૦ પરિવારો સુધી મીઠાઈ પહોંચાડવાનું સેવાકાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી ડે-કેર સેન્ટરના બાળકોને પણ આ સેવાયજ્ઞમાં સામેલ કરવામાં આવ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટરના કર્મચારીઓ અને સેવાભાવી કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અંતે આભારવિધિ રાજેશભાઈ પલણે કરી હતી.

આમ, ઉત્સવની ખુશીઓ માત્ર પોતાના પરિવાર પૂરતી સીમિત ન રાખતાં જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવાના આ પ્રયાસે સેવા, સમર્પણ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande