
રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) : ગોંડલના આઇકોનિક રોડ પર આવેલ ગ્રાઉન્ડમાં મિત્રો સાથે ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીમાં 17 વર્ષીય સગીર પર છ શખ્સોની ટોળકીએ હુમલો કરી દીધો હતો. વિવેક ભરવાડ નામના શખ્સે પથ્થરનો ઘા ઝીંકી સગીરનું માથું ફોડી નાખતા તે લોહીલુહાણ થયો હતો અને મારામારી દરમિયાન તેનો સોનાનો ચેઇન પણ ગુમ થયો હતો, જે મામલે ગોંડલ પોલીસે રાયોટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, ગ્રીન પાર્ક શેરી નંબર-1માં રહેતા ખેડૂત મહેન્દ્રસિંહ પુંજુભા જાડેજાના પુત્ર પાર્થરાજસિંહ (17) પોતાના મિત્રો સાથે વિંટેજ કેફે સામેના ગ્રાઉન્ડમાં ફટાકડા ફોડી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે આવીને ફટાકડા અન્ય જગ્યાએ ફોડવા બાબતે બોલાચાલી શરૂ કરી હતી. થોડા દૂર જવા છતાં આરોપીએ ફરીથી ઝઘડો કરી ઉશ્કેરાટ ફેલાવ્યો હતો, અને ત્યારબાદ વિવેક ભરવાડ તથા અન્ય પાંચ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવીને ગાળાગાળી કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા.
આ ટોળકીએ સગીરને ઢીકાપાટુનો માર માર્યો હતો અને વિવેક ભરવાડે તેના માથાના ભાગે પથ્થરનો ઘા મારી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં સગીરને સારવાર અર્થે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ અશાંતિ અને મારામારીની અફરાતફરી વચ્ચે સગીરે ગળામાં પહેરેલો કિંમતી સોનાનો ચેઇન પણ મળી આવ્યો ન હતો, જેથી ચોરી કે ખોવાયા અંગેની આશંકા પણ વ્યક્ત થઈ છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સગીરના પિતાની ફરિયાદના આધારે ગોંડલ સિટી પોલીસે મુખ્ય આરોપી વિવેક ભરવાડ અને પાંચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગઈકાલે રાયોટીંગ, મારમારવા અને ગુનાહિત કૃત્ય બદલ કલમો નોંધી છે. દિવાળી પર્વ પૂર્વે જ ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં આ પ્રકારની હિંસક ઘટના બનતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt