
મહેસાણા, 6 નવેમ્બર (હિ.સ.) : ઉત્તર ગુજરાત અને અમદાવાદ વચ્ચે રેલવે મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. ગાંધીનગર-વરેઠા-ગાંધીનગર વચ્ચે દોડતી મેમુ લોકલ ટ્રેનનું વિસ્તરણ કરી હવે તેને વટવા-વરેઠા-વટવા સુધી દોડાવવાનો નિર્ણય રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના મુસાફરોને અમદાવાદ અને વટવા તરફ આવવા-જવા માટે વધુ સારી રેલવે સુવિધા મળશે.
ટ્રેન નંબર 69208 અને 69207ના વિસ્તરણ માટે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે 3 ઓગસ્ટ, 2026ના રોજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરી હતી. આ ઉપરાંત અમદાવાદના સાંસદ હસમુખભાઈ પટેલે પણ ટ્રેનને વટવા સુધી લંબાવવા રજૂઆત કરી હતી. બંને સાંસદોની રજૂઆતને પગલે રેલવે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા આયોજન મુજબ ટ્રેન વટવાથી શરૂ થઈ મણિનગર, અમદાવાદ, સાબરમતી અને ચાંદખેડા રોડ થઈ ગાંધીનગર પહોંચશે અને ત્યાંથી નિર્ધારિત સ્ટોપેજ પર વરેઠા સુધી દોડશે. અગાઉ આ ટ્રેન ગાંધીનગરમાં દિવસ દરમિયાન લાંબા સમય સુધી ઊભી રહેતી હતી. હવે વિસ્તરણથી ટ્રેનનો વધુ ઉપયોગ થશે. સાથે જ નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોને અમદાવાદ તરફ મુસાફરીમાં સુવિધા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR