
ભાવનગર,06 નવેમ્બર (હિ.સ.)ભાવનગરમાં ધનતેરસના પર્વ નિમિત્તે ઘોઘા સર્કલ ખાતે, ભાવનગર કલા સંઘ દ્વારા ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 90 જેટલા કલાકારોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિવિધ થીમ અને અલગ-અલગ પ્રકારની રંગોળીઓ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ રંગોળીઓ અનાજ, વિવિધ પ્રકારનાં ફૂલો, રંગો અને ચિરોડી સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી હતી. કલાકારોએ 'Save Water' અને 'Be Master of Time, Not Slave of Social Media' જેવી થીમ દ્વારા પાણી બચાવવા અને સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
આ ઉપરાંત આંબાનાં પાનનું સૂપડું બનાવી તેમાં અક્ષત, કુમકુમ, ચલણી સિક્કા, મંગળસૂત્ર અને ધાન મૂકીને ધનતેરસની શુભકામનાઓ આપતી રંગોળી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંપરા અને કલાનો સુંદર સમન્વય કરતી આ રંગોળીને નિહાળવા લોકો ખાસ રોકાયા હતા.
આ આયોજનમાં 7 વર્ષના બાળકોથી લઈને 70 વર્ષના વૃદ્ધો સુધીના કલાકારોએ ભાગ લીધો હતો. ઉંમરની મર્યાદા વગર કલા પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવનગર કલા સંઘ દ્વારા છેલ્લા સાત વર્ષથી ઘોઘા સર્કલ ખાતે આ રંગોળી આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ કાર્યક્રમ શહેરના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA