
રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 4 નવેમ્બર, 2026ના રોજ ટિકિટ ચેકિંગની કામગીરીમાં નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. તહેવારોની મોસમમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને હાથ ધરેલી સઘન ઝુંબેશ અંતર્ગત એક જ દિવસમાં કુલ 1,917 કેસો દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ ₹24.96 લાખની આવક મેળવવામાં આવી છે.
તહેવારોની મોસમમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં વિના ટિકિટ તથા અનિયમિત મુસાફરી કરતા મુસાફરોને અટકાવવા માટે રાજકોટ ડિવિઝન દ્વારા સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વિશેષ ઝુંબેશના ભાગરૂપે 4 નવેમ્બર, 2026ના રોજ ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ડિવિઝનના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન નોંધાય તેવી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. આ અગાઉ 29 એપ્રિલ, 2022ના રોજ એક દિવસમાં સૌથી વધુ ₹15.96 લાખની આવક થઈ હતી, જેની સરખામણીએ આ વખતે આશરે 56.4 ટકાનો મોટો વધારો નોંધાયો છે.
આ એક દિવસીય ચેકિંગ દરમિયાન કુલ 1,917 કેસ પકડાયા હતા, જેમાંથી વિના ટિકિટ મુસાફરીના 1,632 કેસોમાંથી ₹22,53,955, નિયત શ્રેણી કરતા ઉચ્ચ શ્રેણીમાં મુસાફરી કરનારા 284 મુસાફરો પાસેથી ₹2,41,970 અને વધુ સામાન લઈને મુસાફરી કરનાર 1 મુસાફર પાસેથી ₹50 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ કુલ મળીને ₹24,95,975 ની આવક પ્રાપ્ત થઈ છે, જે ડિવિઝનની વ્યાપારી ઉપલબ્ધિમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.
આ રેકોર્ડબ્રેક કામગીરી સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના માર્ગદર્શન અને ડિવિઝનલ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર કે.સી. ગુર્જર તેમજ ટિકિટ ચેકિંગ કર્મચારીઓની સખત મહેનતના પરિણામે શક્ય બની છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2026–27 દરમિયાન 1 એપ્રિલથી 31 ઓક્ટોબર, 2026 સુધીમાં ડિવિઝન દ્વારા વિના ટિકિટ અને અનિયમિત મુસાફરી કરતા કુલ 85,099 મુસાફરો પાસેથી ₹7.85 કરોડની કુલ આવક મેળવવામાં આવી છે.
ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર ટિકિટ ચેકિંગ ટીમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તમામ રેલ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હંમેશાં યોગ્ય અને માન્ય ટિકિટ સાથે રાખીને જ મુસાફરી કરે અને રેલવે નિયમોનું પાલન કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt