
રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં જમાઈએ વિશ્વાસઘાતની હદ વટાવી દીધી છે. તેણે સાળીના ઉછીના નાણાં પચાવી પાડી, પોલીસ કેસની ખોટી બીક બતાવી એક્ટિવા પડાવી લીધું હતું. આટલું જ નહીં, સસરાનું એટીએમ કાર્ડ ચોરીને ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાની ગંભીર ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કોઠારીયા રોડ ઉપર રામ રણુજા સોસાયટીમાં રહેતા નિધિબેન મનસુખભાઇ ગોહેલ (23)એ આજીડેમ પોલીસમાં તેમના બનેવી નિખિલ ચંદારાણા વિરુદ્ધ ગઈકાલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નિધિબેને અગાઉ વર્ષ 2024માં શાળાના સહકર્મી હિમેશ જોષીને 2.80 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. આ નાણાં પરત ન મળતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી, જ્યાં ત્યારબાદ ઘરમેળે સમાધાન થયું હતું અને હિમેશના પિતાએ નોટરી કરાર કરીને રોકડ રકમ ચૂકવી હતી. તે સમયે નિધિબેનના બનેવી નિખિલે આ નાણાં પોતે રાખવા લઈ જઈને ખાતામાં જમા કરાવવાનું કહીને પચાવી પાડ્યા હતા.
આ મામલો અહીં જ અટક્યો નહીં પરંતુ બનેવી નિખિલે વધુ ગંભીર કારનામા આચર્યા. ગત 4 એપ્રિલ 2026ના રોજ નિખિલે ફોન કરીને સાળી નિધિબેનને ધમકી આપી હતી કે હિમેશ દ્વારા તેમની વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ અને નાણાં પડાવવાની ફરિયાદ કરવામાં આવી છે. આ ખોટા ડર અને પોલીસ કેસના બહાના હેઠળ નિખિલે નિધિબેનનું એક્ટિવા સ્કૂટર અને તેની આર.સી. બુક કઢાવી લીધી હતી. ત્યારબાદ અગાઉના અને વાહનની રકમ સહિતના કુલ 5.61 લાખ રૂપિયા તથા એક્ટિવા પરત માંગવા છતાં બનેવી દ્વારા ગલ્લાંતલ્લાં કરવામાં આવ્યા હતા અને રકમ આપવામાં આવી ન હતી.
આટલું જ નહીં, આરોપી બનેવીએ ઘરની અંદર પણ હાથ સાફ કરી લીધા હતા. તેણે ફરિયાદીના વૃદ્ધ પિતાનું એક્ટિવ એટીએમ કાર્ડ ચોરી લીધું હતું અને અલગ-અલગ સમયે તેમાંથી કુલ 2.81 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ સમગ્ર કૌભાંડમાં કુલ 6.08 લાખ રૂપિયાની ઠગાઈ અને આર્થિક છેતરપિંડી આચરવામાં આવી છે. પૈસા તથા વાહન પરત માંગતી વેળાએ આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ મામલે પીડિત પરિવાર દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નિખિલ ચંદારાણા વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt