
બોટાદ,06 નવેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લા ક્ષય અધિકારી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશ તથા તાલુકા હેલ્થ કચેરી રાણપુરની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ જિલ્લામાં ક્ષયરોગ (ટીબી) નિયંત્રણ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી તેમાં વધુ સુધારો લાવવાનો હતો.
મુલાકાત દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર (THO) તથા સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર (STS) સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ટીબીના દર્દીઓની નોંધણી (નોટિફિકેશન)ની કામગીરીમાં સુધારો લાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ટીબીના દર્દીઓની સમયસર ઓળખ, યોગ્ય સારવાર અને સારવારની નિયમિત દેખરેખ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ટીબીથી બચાવ માટેની ટ્યુબરક્યુલોસિસ પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (TPT)ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પાત્ર લાભાર્થીઓ સુધી નિવારક સારવારનો લાભ પહોંચે અને આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકો સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ટીબી નોટિફિકેશન, દર્દીઓની સારવાર, ફોલોઅપ, રિપોર્ટિંગ તથા આરોગ્ય વિભાગને લગતી અન્ય કામગીરી અંગે ચર્ચા કરી જરૂરી સુધારાઓ માટે સલાહ અને સૂચનો આપવામાં આવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓને ટીબી નિયંત્રણની કામગીરી વધુ અસરકારક, સુવ્યવસ્થિત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં ટીબી નાબૂદીના લક્ષ્યને સિદ્ધ કરવા આરોગ્ય વિભાગની કામગીરીને વધુ વેગવાન બનાવવાના હેતુથી આ મુલાકાત મહત્ત્વપૂર્ણ રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA