
રાજકોટ, 06 નવેમ્બર (હિ.સ.) : જસદણના આટકોટ રોડ પર ફ્લોર મિલ ધરાવતા વેપારી સાથે જેતપુરની અક્ષર ટ્રેડિંગ અને શ્રી ક્રિષ્ના ટ્રેડિંગના સંચાલકોએ વિશ્વાસ સંપાદન કરી રૂ. ૪.૩૦ લાખની કિંમતના લોટનો જથ્થો ઉધારીમાં મંગાવી નાણાં ન ચૂકવી છેતરપિંડી આચરતા ગઈકાલે જસદણ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
જસદણના ચિતલિયા કુવા રોડ પર ગજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા ૩૫ વર્ષીય યુવાન વેપારી હિતેષભાઈ નારણભાઇ ભુવા જસદણ-આટકોટ રોડ પર સ્વરા એક્સપોર્ટ ફ્લોર મિલ ચલાવે છે. તેમની પેઢી પર ગત તા. ૦૧/૦૭/૨૦૨૬ના રોજ જેતપુરની અક્ષર ટ્રેડિંગના સંચાલકો કપિલ વી. નથવાણી અને દેવ ઉમેશ ગણાત્રા આવ્યા હતા. શરૂઆતમાં તેઓએ રોકડમાં વ્યવહાર કરી વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ અલગ-અલગ તારીખે મોટી સંખ્યામાં ઘઉંના લોટની બેગ્સ ઉધારીમાં મંગાવી હતી. સમય જતાં અક્ષર ટ્રેડિંગના આ શખ્સો પાસેથી કુલ રૂ. ૨,૩૯,૫૦૦ લેવાના બાકી નીકળતા હતા.
નાણાંની ઉઘરાણી કરતા આ શખ્સોએ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા અને વોટ્સઅપ પર ખોટા વાયદા આપ્યા હતા. વેપારીએ જેતપુર ખાતે જઈને તપાસ કરતા અક્ષર ટ્રેડિંગની દુકાન બંધ હાલતમાં મળી આવી હતી અને બહારનું બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યું હતું. આસપાસના લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ભાડે દુકાન રાખી ધંધો કરતા હતા અને છેલ્લા ૧૫ દિવસથી દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા છે.
દરમિયાન, જેતપુરની શ્રી ક્રિષ્ના ટ્રેડિંગ પેઢીના સંચાલક ધવલકુમાર ચીમનલાલ ધોળકિયા અને એક અજાણ્યો શખ્સ પણ વેપારીની પેઢી પર આવ્યા હતા. શરૂઆતના વ્યવહારોમાં સમયસર નાણાં ચૂકવી આ શખ્સે પણ વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ગત તા. ૧૦/૦૯ના રોજ ૨૦૦ બેગ લોટ જેની કિંમત રૂ. ૧,૯૦,૫૦૦ થાય છે તે ઉધારીમાં મંગાવી લીધો હતો, જેના નાણાં આજદિન સુધી ચૂકવવામાં આવ્યા ન હતા.
બંને પેઢીના સંચાલકોએ પૂર્વ આયોજિત પ્રકારે વેપારીનો ભરોસો જીતીને કુલ રૂ. ૪,૩૦,૦૦૦ ની ઠગાઈ આચરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વેપારીએ જસદણ પોલીસ મથકે કપિલ નથવાણી, દેવ ગણાત્રા, ધવલકુમાર ધોળકિયા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt