




પોરબંદર, 06 નવેમ્બર (હિ.સ.) : 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં
પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને મહિલા
ઉદ્યોગસાહસિકો માટે નવી તકોનું માધ્યમ બની રહ્યો છે. સ્થાનિક પ્રતિભા અને
કારીગરીને પ્રોત્સાહન આપવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કારીગરો અને
ઉદ્યોગસાહસિકોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.
મેળામાં સ્ટોલ નંબર-20 પર સ્મિતાબેન પરેશભાઈ
શેરજી દ્વારા વિવિધ પ્રકારની સર્જનાત્મક અને આધુનિક બનાવટોનું પ્રદર્શન કરવામાં
આવ્યું છે. તેમના સ્ટોલમાં બાળકોની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન
આપતાં કાસ્ટિંગ પાવડર ટોય્ઝ, તહેવારો અને શુભ પ્રસંગો માટે ઉપયોગી પ્યોર સોયા વેક્સમાંથી તૈયાર
કરેલી ડિઝાઇનર કેન્ડલ્સ તેમજ આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવતી 3D પ્રિન્ટેડ પ્રોડક્ટ્સ આકર્ષણનું
કેન્દ્ર બની છે.
ખાસ કરીને હોમમેડ સોયા વેક્સ કેન્ડલ્સ અને 3D પ્રિન્ટેડ પ્રોડક્ટ્સ જેવી વિશિષ્ટ
બનાવટો દ્વારા તેમણે સ્થાનિક બજારમાં નવીનતા રજૂ કરી છે. આ પ્રોડક્ટ્સ ગિફ્ટિંગ, ડેકોરેશન અને રોજિંદા ઉપયોગ માટે પણ
ઉપયોગી બની શકે છે.
સરકાર અને વહીવટી તંત્ર દ્વારા વિનામૂલ્યે
સ્ટોલની સુવિધા ઉપલબ્ધ કરાવવાથી મહિલા ઉદ્યોગસાહસિકોને પોતાની પ્રોડક્ટ્સનું
પ્રદર્શન કરવા અને સીધા ગ્રાહકો સુધી પહોંચવા માટેનું પ્લેટફોર્મ મળ્યું છે. આ
પહેલ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા તેમજ સ્થાનિક સ્તરે સ્વરોજગારની તકો
વિકસાવવામાં સહાયક બની રહી છે. સ્મિતાબેને આ પ્રોત્સાહક પહેલ બદલ સરકાર, પોરબંદર મહાનગર પાલિકા અને વહીવટી
તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya