સુરતના વેસુમાં બેફામ કારચાલકે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીને અડફેટે લીધો, સ્ટ્રીટલાઈટનો થાંભલો પણ ધરાશાયી
સુરત, 06 નવેમ્બર (હિ.સ.): સુરતના વેસુ વિસ્તારમાં ઉધના-મગદલ્લા રોડ પર એસ.ડી. જૈન સ્કૂલ નજીક મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સિલ્વર કલરની ગ્રાન્ડ વિટારા કાર ચલાવી રહેલી 45 વર્ષીય મહિલા નિકીતા શાહે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પરના સ
a reckless driver hit a laborer


સુરત, 06 નવેમ્બર (હિ.સ.): સુરતના વેસુ વિસ્તારમાં ઉધના-મગદલ્લા રોડ પર એસ.ડી. જૈન સ્કૂલ નજીક મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સિલ્વર કલરની ગ્રાન્ડ વિટારા કાર ચલાવી રહેલી 45 વર્ષીય મહિલા નિકીતા શાહે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પરના સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે થાંભલો મૂળમાંથી ઉખડીને ફૂટપાથ પર પડ્યો હતો અને કારનો આગળનો ભાગ પણ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો.

આ અકસ્માતમાં ફૂટપાથ પર ઊંઘી રહેલા એક હાથલારી ચલાવતા શ્રમજીવીને ગંભીર ઈજા પહોંચી હતી. થાંભલો અને તેનો કાટમાળ પડતાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની માહિતી મળતાં ઉમરા પોલીસ અને વેસુ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. કાર ચલાવી રહેલી નિકીતા શાહ અને તેમની સાથે હાજર પતિ નેહલ શાહને પોલીસ પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મહિલા ટુર એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અકસ્માતમાં જાહેર મિલકતને થયેલા નુકસાન અને શ્રમજીવીને ગંભીર ઈજા પહોંચવાના મામલે SMC તથા ઈજાગ્રસ્ત પક્ષ તરફથી ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વેસુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande